મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદનો ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂ ઠાલવવા બુટલેગરો દ્વારા વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું અનેકવાર સાબિત થઈ ચૂક્યું છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ મુખ્ય અને અંતરીયાળ માર્ગો પરથી દારૂની હેરાફેરી અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી આવી રહેલ ટ્રકનો ચાલક ટ્રક રોડ સાઈડ ઉભો રાખી ડુંગર પર નાસી છૂટતા પોલીસે ટ્રકમાંથી તૂટેલા કેરેટની આડમાં સંતાડેલ ૬.૧૨ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
શુક્રવારે વહેલી સવારે શામળાજી પીએસઆઇ અનંત દેસાઈ અને તેમની ટીમે અણસોલ ગામની સીમમાં વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રતનપુર ચેકપોસ્ટ બાજુથી ટ્રકમાં તૂટેલા કેરેટની આડમાં વિદેશી દારૂ ભરી આવી રહેલ ટ્રક ચાલક પોલીસ ચેકીંગ જોઈ ગભરાઈ જતા રોડ પર ટ્રક મૂકી રોડની બાજુમાં રહેલા જંગલમાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી ટ્રકમાં તલાસી લેતા જુના તૂટેલા પ્લાસ્ટિકના કેરેટની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૦૪૦ કીં.રૂ.૬૧૨૦૦૦/- નો જથ્થો જપ્ત કરી ટ્રકની કીં.રૂ.૭ લાખ મળી કુલ.રૂ.૧૩.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.