મેરાન્યૂઝ નેટવર્ક. શામળાજી: શામળાજીના વેણપુર નજીક બનેલ યુવકની હત્યાની ઘટનાની ગુત્થી ઉકેલવા માટે પોલીસવડા સંજય ખરાતે એલસીબી પોલીસને તપાસ સોંપતા ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમે શામળાજી પંથકમાં ધામાં નાખી ગણતરીના દિવસોમાં બે હત્યારાઓને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

હિંમતનગર ખાતે શિક્ષિકા પત્ની સાથે રહેતા રાજસ્થાન વીંછીવાડા તાલુકાના ચુંડાવાડા ગામના યુવક લક્ષ્મણ મનજીભાઈ ગામેતી ગત શનિવારે બાઈક લઈ કામકાજ અર્થે નીકળ્યા બાદ શામળાજીના વેણપુર ગામ નજીક ત્રણ શખ્સોએ ગડદા પાટુનો માર મારતા સારવાર મળે તે પહેલા યુવકનું મોત નિપજતાં યુવકની પત્ની અને પરિવારજનો શામળાજી પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા. મૃતકની શિક્ષિકા પત્ની સંગીતા ગામેતીએ શામળાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમોએ મારમારી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અરવલ્લી એલસીબી પોલીસે ગણતરીના દિવસોમા યુવકની હત્યાનો ભેદ ઉકેલી નાખી બે હત્યારાની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ યુવકોએ બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતમાં યુવકને મારમારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યામાં સંડોવાયેલ ફરાર હત્યારા યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 
      
ગત શનિવારે લક્ષ્મણભાઈ ગામેતી બાઈક લઈ કામકાજ અર્થે વતન જઈ પરત ફરી રહ્યો હતો ત્યારે વેણપુર ગામ નજીક તેની બાઈક સાથે અન્ય બાઈક અથડાતા સામાન્ય બોલાચાલી બાદ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લક્ષ્મણ ગામેતીને રાહુલ ઉર્ફે રવી ગોવિંદભાઇ ડેડોર (રહે,સુનોખ),કુલદીપ વિશ્રામ ભેણાત (રહે,અણસોલ) અને મહિપાલ નામના યુવકે લક્ષ્મણ ગામેતીને ગડદા પાટુનો મારમારી લાકડી વડે તૂટી પડતા લક્ષ્મણ ગામેતીના પેટના ભાગે ઈજાઓ પહોંચતા બેભાન થઇ પડતા ત્રણે યુવકો બાઈક લઈ રફુચક્કર થઇ ગયા હતા. લક્ષ્મણ ગામેતીને સારવાર મળે તે પહેલા મોત નિપજતા ત્રણે યુવકો ભાગી જવાની ફિરાકમાં હતા. ત્યારે અરવલ્લી એલસીબી પોલીસે લક્ષ્મણ ગામેતીને રાહુલ ઉર્ફે રવી ગોવિંદભાઇ ડેડોર (રહે,સુનોખ),કુલદીપ વિશ્રામ ભેણાત (રહે,અણસોલ)ને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. મહીપાલ નામના હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.