મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: દિલ્હીથી મુંબઈને જોડતો, અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ સિક્સલેન બનાવવાનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે સાથે અનેક જગ્યાએ રોડ ખોદવામાં આવ્યો હોવાની સાથે હાઈવે પર પડેલા ઠેર ઠેર ગાબડાં પડતા નેશનલ હાઇવે ઓથોરિટીના પાપે છેલ્લા કેટલાય દિવસથી રોડ ઉપર પડેલ ખાડાને લઇને વાહન ચાલકો થાપ ખાઈ જતાં સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માતોમાં વધારો થયો છે. તો કેટલાય લોકો ના હાથ પગ ભાગવાનો વારો આવ્યો છે. એક માહિતી પ્રમાણે શનિવારે રોડ પર પડેલા ખાડાઓના લીધે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સાથે અથડાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજતા વાહનચાલકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. વધુ એક પ્રાપ્ત માહિતી પ્રમાણે વાંટડા ટોલપ્લાઝા નજીક કાર રોડ પર પડેલા ખાડાના લીધે અકસ્માતનો ભોગ બની હતી. જ્યારે થોડા જ દિવસ પહેલા એક વ્યક્તિએ પ્રાંતિજ ખાતે રોડ સારા નથી તો ટોલ નહીં ભરૂ, કારની હાલત જ બગડી જાય છે તેવી રજૂઆત કરી હતી. જોકે વ્યક્તિનો મુદ્દો સાચો હોઈ ત્યાં હાજર કર્મચારીઓ ચૂં કે ચાં કરી શક્યા ન હતા.

વિગતો એવી મળી રહી છે કે, વાંટડા ટોલપ્લાઝા નજીક શામળાજી તરફથી  આવતી સ્વીફ્ટ કાર રોડ પર પડેલા ખાડાઓમાં લીધે અકસ્માતનો ભોગ બનતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. શામળાજી તરફથી આવતી સ્વીફ્ટ કાર હાઈવે પર પડેલા ખાડામાં કારનું ટાયર પડતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ રોડ નીચે પટકાઈ હતી. જેને પગલે કારનો કડૂચાલો વળી ગયો હતો. સદનસીબે કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ થતા કાર રોડ નીચે પટકાતા આજુબાજુમાંથી દોડી આવેલા લોકો અને વાહનચાલકોમાં હાઈવે ઑથોરિટી અને સિક્સલેન બનાવનાર કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

શામળાજીથી ગાંધીનગર સુધીના રોડ પર પડેલા ખાડાઓ પુરવામાં નં આવતા ડિસ્કો રોડથી તોબા પોકારી ઉઠ્યા છે. ભારે વરસાદથી શામળાજીથી ચિલોડા સુધીનો નેશનલ હાઇવે અનેક જગ્યાએ ધોવાઇ ગયો છે. જેને લઇ વારંવાર અકસ્માત સર્જાતા છે. આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઇ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે. નેશનલ હાઇવે રીપેર કરાવો તો જ ટેક્સ આપવામાં આવશે તેમ કહી ટેક્સ ન ભરીને વાહનચાલકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી સમગ્ર મામલે ટોલ કોન્ટ્રાક્ટર ઉપર બધું ઢોળી રહી છે.