મેરાન્યૂઝ નેટવર્ક, શામળાજી: અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશીદારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે. શામળાજી પોલીસે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નં-૮ પર સતત પેટ્રોલિંગ અને નાકાબંધીથી દરરોજ નાના-મોટા વાહનોમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળ રહી છે. વેણપુર ગામની સીમમાંથી પસાર થતા મીની ટ્રકમાંથી અમદાવાદના પ્રદીપ નામના બુટલેગરે મંગાવેલ રૂ.૯.૨૧ લાખનો વિદેશી દારૂ જપ્ત કરી ગાંધીનગરના પાટનાકુવા ગામના બુટલેગર ટ્રક ચાલકને ઝડપી પાડી શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શામળાજી પીએસઆઈ કેતન વ્યાસ તેમની ટીમ સાથે રતનપુર ચેકપોસ્ટ નજીક વેણપુર ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથધરાતા મિનિટ્રકમાંથી વિદેશી દારૂની ૨૨૦ પેટી બોટલ નંગ-૨૬૪૦ કિં.રૂ.૯૨૧૬૦૦ નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલાક અજીતકુમાર અમૃતલાલ બારોટ (રહે. પાટનાકુવા તા.દહેગામ જી.ગાંધીનગર) ની ધરપકડ કરી ટ્રક (ગાડી.નં-GJ.35.T.1183 ) કિં.રૂ.૮૦૦૦૦૦/- મળી કુલ રૂ.રૂ ૧૭,૨૧,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની મીની ટ્રક મંગાવનાર અમદાવાદના પ્રદીપ નામના બુટલેગર અને મીની ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણા નારનોલના સોનુ નામના બુટલેગર વિરુદ્ધ  શામળાજી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.