મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં વ્યાજખોરો બિલાડીના ટોપની જેમ ઉગી નીકળેલ છે. આવા વ્યાજખોરો  વાર્ષિક ૧૨૦ થી ૧૫૦ ટકા વ્યાજ વસુલી ગરીબ - સામાન્ય પરિવારોનું આર્થિક શોષણ કરી રહેલ છે. આવી ઘટનાઓ છાશવારે સમાજમાં બની રહેલ છે.ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલા નાપડા ગામના ૫૦ વર્ષીય ખેતમજૂરે  નાણાકીય ભીડ હોવાના કારણે ગામના એક શખ્શને વચ્ચે રાખી વ્યાજ વાટવાનો ધંધો કરતા ધંબોલિયા ના રવીન્દ્રસિંહ રાઠોડ પાસેથી ૨.૧૫ લાખ રૂપિયા ઉંચા વ્યાજદરે લીધા હતા ખેતી નિષ્ફળ જતા અને વ્યાજખોરોની ધમકીથી ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું શામળાજી પોલીસે બંને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

નાપડા-ખાલસા ગામના વજાભાઇ વક્તાભાઈ વણઝારા (ઉં.વર્ષ-૫૦) એ નાણાકીય ભીડના હોવાના કારણે લોકોને વ્યાજે રૂપિયા અપાવવાનો ધંધો કરતા ગામના જ વિક્રમભાઈ કેશભાઈ વણઝારાને વચ્ચે રાખી ધંબોલિયા ગામના રવીન્દ્રસિંહ રાઠોડ પાસેથી ૨.૧૫ લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા જેમાં વિક્રમ વણઝારાએ લાખે ૧૦ હજાર રૂપિયા કમિશન અલગથી લીધું હતું  દરમાહિને વિક્રમ વણઝારાને  ૨૦ હજાર હપ્તા ચુકવતા હતા ગામમાં જમીન ઓછી હોવાથી વજાભાઇ વક્તાભાઈ વણઝારા પરિવાર સાથે મહીસાગર જીલ્લાના લિંમબડીયા ગામે છૂટક મજૂરી અને મોટર કાઢવાનું કામ કરતા હતા વ્યાજ આપવા છતાં મૂડી બાકી હોવાથી વિક્રમ વણઝારા ફોન કરી ધમકી આપતા હતા દશેરાના દિવસે રવીન્દ્રસિંહ રાઠોડ લાકડી અને ખંજર સાથે ધમકી પણ આપી હતી વારંવાર ધમકી આપતા હોવાથી શુક્રવારે વજાભાઇ વતન આવવા નીકળ્યા હતા વ્યાજખોર રવિન્દ્ર રાઠોડ વજાભાઇના મોટાભાઈ રામભાઈને લઈ ગયેલ હોવાનું વિક્રમ વણજારાએ મૃતકના પુત્રને જણાવ્યું હતું.

સતત વ્યાજખોર બંને શખ્શોને ત્રાસથી  કંટાળી જતા માનસિક રીતે પડી ભાંગતા શનિવારે સવારે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી આત્મહત્યાના પગલે શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક વજાભાઈની લાશને પીએમ માટે ખસેડી મૃતકની પત્ની શકરીબેન વજાભાઇ વણઝારાની ફરિયાદના આધારે વિક્રમ કેશાભાઈ વણઝારા અને રવીન્દ્રસિંહ રાઠોડ (રહે,ધંબોલીયાં, તા-ભિલોડા) વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૬,૫૦૬(૨),૫૦૪,૧૧૪, તથા મની લેન્ડર એક્ટ-૨૦૧૧ ની કલમ-૫,૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી બંને શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.  

પ્રાપ્ત માહિતી મુજબ, વ્યાજખોરો નો ત્રાસ એટલો બધો હતો કે આ પરિવારે દિવાળી પણ ઊજવી શક્યા નહોતા વ્યાજખોરો નો ત્રાસ એટલો બધો વધી ગયેલ કે પૂરો પરિવાર ઘરબાર છોડી ભટકતો ફરતો હતો