મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં ભાર વાહક વાહનચાલકો ટ્રાફિક નિયમનનો ઉલાળિયો કરી બેફામ ગતિએ વાહનો હંકારતા હોવાથી વારંવાર અકસ્માતની ઘટનાઓમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે છે. શામળાજી બસ સ્ટેન્ડ નજીક ટ્રક-ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર યુવક રોડ પર પટકાતા ટ્રક-ટ્રેલરના ભારે ભરખમ ટાયર માથા પર ફરી વળતા યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાઈક ચાલક યુવક રોડ સાઈડમાં ફેંકાતા શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. શામળાજી પોલીસે અકસ્માત સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી ટ્રાફિક પુર્વરત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભિલોડાના ભવાનપુર ગામનો યુવક દક્ષ શંકરભાઇ પારઘી નામનો યુવક તેના મિત્ર વિવેકની બાઈક પાછળ બેસી કામકાજ અર્થે નીકળ્યો હતો શામળાજી બસસ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહેલી બાઈકને ટ્રક-ટ્રેલરના ચાલકે ટ્રક-ટ્રેલર બેફિકરાઈ ભરી અને પુરઝડપે હંકારી બાઈકને ધડાકાભેર અડફેટે લેતા બાઈક ચાલક સહીત પાછળ બેઠેલ દક્ષ પારઘી પટકાતા રોડ પર પટકાયેલ દક્ષ પારધીના માથા પર ટ્રક-ટ્રેલરનું ટાયર ફરી વળતા માથાના ભાગના ફુરચેફુરચા ઉડી જતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાઈક ચાલક યુવક વિવેકના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લોકોએ દવાખાને ખસેડ્યો હતો. અકસ્માતના પગલે યુવકના પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી. અકસ્માત સર્જી ટ્રક-કન્ટેનર ચાલક ટ્રક-કન્ટેનર ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતના પગલે શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવકની લાશને પીએમ માટે ખસેડી અજાણ્યા ટ્રક-કન્ટેનર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.