મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શામળાજી નજીક અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલા શામળપુર ગામે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા નેશનલ હાઈવે પર આવી જતા કાર ચાલકે શોભાયાત્રાની બાજુ માંથી રહેલ જગ્યામાંથી કાર કાઢવાનો પ્રયત્ન કરતા શોભાયાત્રામાં રહેલા કેટલાક શખ્શોએ ગાડી કેમ ઉભો રાખતો નથી કહી કારમાં તોડફોડ કરી કાર ચાલકને ગડદાપાટુનો માર મારી બિભસ્ત ગાળો બોલતા ને.હા.નં-૮ પર હોબાળો થયો હતો. આ ઘટનાને પગલે વાહનવ્યવહાર થંભી ગયો હતો. શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડી કાર ચાલકની ફરિયાદના આધારે શામળપુર ગામના ૧૦ શખ્શો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ગાંધીનગર ઇન્ફોસીટીમાં ઈ-ટેક કંપનીના ડાયરેક્ટર અને કુડાસણ સ્વાગત રેઇન ફોરેસ્ટમાં રહેતા રાજેન્દ્રસિંહ અમરસિંહ ડાભી તેમના વતન કુશ્કી ગામે કામકાજ અર્થે વેન્ટો કારમાં આવવા નીકળ્યા હતા. શામળાજી નજીક આવેલા શામળપુર ગામ નજીક પહોંચતા ને.હા.નં-૮ પર શામળપુર ગ્રામજનોએ જન્માષ્ટમી પર્વ નિમિતે યોજેલી શોભાયાત્રા પહોંચી હતી. કાર ચાલકે શોભાયાત્રાની બાજુમાં જગ્યા હોવાથી કાર નીકાળવાનો પ્રયત્ન કરતા શોભાયાત્રામાં રહેલા કેટલાક શખ્શો લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા હતા. કાર કેમ ઉભી નથી રાખતો કહી બિભસ્ત ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતાં કારમાં તોડફોડ કરવાની સાથે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ને.હા.નં-૮ પર ઝગડાને પગલે ટ્રાફિકજામ થતા અને શામળાજી પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી કાર ચાલકને બચાવી મામલો થાળે પાડ્યો હતો.

કાર ચાલક રાજેન્દ્રસિંહ અમરસિંહની ફરિયાદના આધારે શામળાજી પોલીસે ૧) હાર્દિક રામાભાઇ ચૌધરી, ૨) નિમેષ રામાભાઇ ચૌધરી, ૩) સાવન ભીખાભાઇ ચૌધરી, ૪) સંકેત બાબુભાઇ ચૌધરી, ૫) દિપક શૈલેષકુમાર પ્રજાપતિ, ૬) સચિન કડવાભાઇ પ્રજાપતિ, ૭) અજય કનુભાઈ પ્રજાપતિ, ૮) વિશાલ મહેન્દ્રભાઈ ચૌધરી, ૯) જગદીશ મોકામભાઇ ચૌધરી અને ૧૦) પાર્થ દિનેશભાઇ ચૌધરી (તમામ રહે, શામળપુર, તા-ભિલોડા) વિરુદ્ધ આઈપીસી કલમ-૩૪૧, ૧૪૩, ૧૪૭, ૩૨૩, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭ તથા જીપી એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.