મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કોઈ આધાર-પુરાવા વિના ગુજરાતના મુખ્યમંત્રીને બદનામ કરવાના આશયથી માફી નહીં માંગવામાં આવે તો કોર્ટ કાર્યવાહી કરવા ધમકી આપી હોવાનું જણાવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કોંગ્રેસના નેતાઓમાં અત્યારે અંદરોઅંદર પોતે મોટા નેતા હોવાનું બતાવવા માટે હોડ જામી છે, પરંતુ લખનૌમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ક્યાંય શક્તિસિંહ ગોહિલના નામનો ઉલ્લેખ કર્યો નહીં હોવાથી તેમણે બંધ બેસતી પાઘડી પહેરી બેબુનિયાદ અને ખોટા આક્ષેપો કરી પ્રતિષ્ઠાને નુકસાન થયાનો ખોટો માહોલ ઊભો ના કરવો જોઈએ.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા ગુજરાતના સીએમ સામે કોર્ટમાં જવાની વાત તદ્દન અયોગ્ય અને બેબુનિયાદ છે. વાસ્તવમાં લખનૌમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બિહારના સહપ્રભારી અલ્પેશ ઠાકોર વિષે કહેલી વાતમાં શક્તિસિંહે બંધ બેસતી પાઘડી પહેરી લેવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, શક્તિસિંહ ગોહિલે કોઈ આધાર-પુરાવા આપવાના બદલે સાચી કે વ્યાજબી વાત કરી નથી, પરંતુ ગુજરાતમાં પરપ્રાંતીયો ઉપર હુમલા કરનાર કોણ હતા. તે આખું ગુજરાત અને હવે દેશ જાણી  ગયો છે.

નીતિન પટેલે વધુમાં કહ્યું કે, વાસ્તવમાં કોંગ્રેસના નેતાઓમાં અત્યારે માત્ર પબ્લીસીટી મેળવવા હોડ જામી છે. જેમાં શક્તિસિંહ દ્વારા સીએમ ઉપર દોષારોપણનો મુદ્દો ઉભો કરી બેબુનિયાદ વાત કરવામાં આવી છે. કોંગ્રેસની કમનસીબી છે કે, બધાને સાચવવા માટે ક્યાંય ને ક્યાંય જવાબદારી આપવી પડે છે. જેમાં બિહારમાં ગુજરાતના જ બે નેતાઓને પ્રભારી અને સહપ્રભારી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. તેમાં ભડકાઉ ભાષણો આપનાર કોણ હતા તે સૌ જાણે છે.