દેવલ જાદવ (મેરાન્યૂઝ.ગાંધીનગર): રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર રીતે વકરી રહી છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૬૦૨૧ કેસ નોંધાયા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ ૧૯૦૭ કેસ નોંધાયા હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ક્યાંય અત્યારે દર્દીઓ માટે જગ્યા નથી. રેમડીસિવીર ઇન્જેક્શન ની ભારે અછત છે લોકો ઇન્જેક્શન લેવા માટે લાઈન લગાવી ને ઉભા છે. કેટલીક ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના સમાચાર આવી રહ્યા છે.

આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બે સંકુલોને સરકારને કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે વિનંતી રૂપ દરખાસ્ત કરી છે. ગાંધીનગરથી ૫ કિલોમીટર દૂર અને ગાંધીનગરમાં જ સેક્ટર ૨૮ માં આવેલા બે સંકૂલોને કોવીડ સેન્ટરમાં બદલવા માટે શંકરસિંહ વાઘેલાએ માનવતા દર્શાવી મંજૂરી આપી છે. આર્થિક રીતે નબળા લોકોને તેમનું ફાઉન્ડેશન મદદ કરશે તેવી પણ તેમણે ખાતરી આપી છે.