રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): રોડ ઉપરથી પસાર થાઉં છું ત્યારે ઓપ્ટિકલ ફાઈબરની લાઈન માટે કે પાણીની પાઇપ માટે જમીન ખોદતા મજૂરોને જોઉં છું. તેમની સાથે નાના બાળકો હોય છે. તનતોડ મહેનત કરતા આ શ્રમજીવીઓ રાષ્ટ્રના સાચા માલિક છે. આ મહાન રાષ્ટ્રમાં આજે પણ કરોડો મહિલાઓ, બાળકો છે; જેમને એ ખબર જ નથી કે શોષણ એટલે શું? શોષણ કે અન્યાય સામે અવાજ કઈ રીતે ઉઠાવાય ? સ્ત્રીઓ, બાળકો માટેના કાયદાથી એ બિલકુલ બેખબર છે; એટલે જ કદાચ આ શ્રમજીવીઓ ગરીબીમાં તેમજ આજીવન કાળી મજૂરીમાં દબાયેલા રહે છે. મહિલાઓને પ્રસૂતિ લીવ મળતી નથી; હક્કરજા મળતી નથી. કામ કરે એટલા દીવસ જ એમને એમને વેતન મળે છે. 15 મી ઓગસ્ટ  કે 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારના દિવસે મજૂરી કરે છે. મજૂરી છૂટી જાય ત્યારે ભૂખના દિવસો હોય છે. આ ગરીબ શ્રમજીવીઓની કઠણાઈ તો જૂઓ; જેને ચાહે છે, એ તો એના તરફ જોતા પણ નથી ! ગરીબો માતાજી, ઈશ્વરમાં બહુ માને છે. એમને જીવાડનારું તત્ત્વ છે; માતાજી, ઈશ્વર ! વાસ્તવમાં ધર્મ,ઈશ્વર, ગરીબોના સૌથી મોટા દુશ્મન છે ! ધર્મ તો કહે છે આગલા જન્મના પાપ નડે છે; ભોગવો. દુ:ખ સહન કરો.આવતા જન્મમાં સારું થઈ જશે ! ઈશ્વર તો સંવેદનહીન છે; ગરીબ શ્રમજીવીઓ, બાળશ્રમિકો તરફ દ્રષ્ટિ જ કરતો નથી ! ઈશ્વર તો ધર્મનો ગુલામ છે; ગરીબોના આવતા જન્મ સુધી તે કંઈ મદદ ન કરી શકે ! ફેબ્રુઆરી, માર્ચ 2002 અને ફેબ્રુઆરી, માર્ચ 2020 નું સામ્ય તો જૂઓ ! દંગામાં મરનાર ગરીબ શ્રમજીવીઓ હતા અને મરાવનાર સત્તાપ્રેમી ગોડસેવાદીઓ ! ઈશ્વરની ગેરહાજરી સૂચક છે. ધર્મ, મજહબ સીખાતા હૈ, આપસ મેં બૈર રખના ! ભારતીયોની એકતા ધર્મના આધારે શક્ય નથી; સેક્યુલારિઝમ, હ્યુમેનિઝમ જ એકતાનો દ્રઢ પાયો બની શકે.

રાહુલ સાંકૃત્યાયાને ‘તુમ્હારી ક્ષય’ પુસ્તકમાં હિન્દુ સમાજ, સંસ્કૃતિ, ધર્મ, ઈશ્વર, જાતપાંતના અમાનવીય ચહેરાને ખુલ્લો કર્યો છે. તેમણે સ્વતંત્રતા, સમાનતા, સદભાવ ઉપર આધારિત એક ઉન્નત સમાજનું સપનું જોયું હતું. તેમને અહેસાસ થયો હતો કે મધ્યકાલીન બર્બર મૂલ્યો પર આધારિત સમાજ અને તેની વ્યવસ્થાનો નાશ કર્યા વિના નવા સમાજનું નિર્માણ થઈ શકે નહીં. તેઓ કહે છે : “પાછલા બે હજાર વર્ષનો ઈતિહાસ કહે છે કે ધર્મોએ એકબીજા ઉપર જુલ્મના પહાડો ખડક્યા; પોત પોતાના ખુદા, ઈશ્વરના નામ ઉપર; પોતાના ધર્મપુસ્તકો અને પાખંડોની નામે; ધર્મોએ માણસના લોહીને, પાણી કરતા પણ સસ્તું બનાવી દીધું ! ઈસ્લામના આગમન પહેલા વેદમંત્ર બોલનાર,સાંભળનારના મોંમાં, કાનમાં ધગધગતું સીસું ભર્યું ! ધર્મ જે ખુદા/ઈશ્વરના નામે ટક્યો છે; જેને તે સૃષ્ટિકર્તા અને વિશ્વના સંચાલક તરીકે માને છે તે ખરેખર અજ્ઞાનની ઉપજ છે. જે પ્રાકૃતિક રહસ્ય સમજવામાં માણસ અસમર્થ હતો; તેના માટે ઈશ્વરની કલ્પના કરતો હતો. અજ્ઞાનનું બીજું નામ જ ઈશ્વર છે ! ઈશ્વર તો અન્યાય/અત્યાચાર ટકાવી રાખવા માટે શોષકો/અત્યાચારીઓનું એક હથિયાર છે ! સમાજમાં થતા અન્યાય/અત્યાચારોને ન્યાયી/કાયદેસર સાબિત કરવા માટે તેમણે ઈશ્વરનું બહાનું શોધી કાઢ્યું છે ! ધર્મની છેતરપિંડી ચલાવવા માટે અને તેને ન્યાયપૂર્ણ સાબિત કરવા માટે ખુદા/ઈશ્વરની કલ્પના અતિ સહાયક છે !”

ઉપરની વાત સાંભળી મિત્રને અપચો થઈ ગયો; તેમનો પ્રતિભાવ હતો : “તમે દંભી સેક્યુલારિસ્ટ છો; દંભી હ્યુમેનિસ્ટ છો.” મેં કહ્યું : “તમારા ટીશર્ટ ઉપર ભગતસંહનો ફોટો છે. ભગતસિંહના ફોટાને પ્રેમ કરો છો; એમના વિચારો તો રાહુલ સાંકૃત્યાયનને ચડે તેવા છે ! ભગતસિંહની શહિદી ગમે છે; એ શહિદી જે વિચારો માટે આપી; તે વિચારો કેમ ગમતા નથી?”