મેરાન્યૂઝ નેટવર્ક, સુરત : સુરતના વોર્ડ નં. 5ના કોંગ્રેસના કોર્પોરેટર અને સુરત ઉત્તરની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કાછડિયાને કથિત સેક્સ સીડીના નામે બ્લેક મેઇલ કરી રૂ. 3.50 કરોડની ખંડણી માગનારા 13 સામે ક્રાઈમ બ્રાંચમાં ગૂનો નોંધાયો છે. જેમાં એક નેશનલ ચેનલના રિપોર્ટર. સ્થાનિક ચેનલના સંચાલક, મહિલા રિપોર્ટરનો સમાવેશ થાય છે.

બે મહિના પૂર્વે નેશનલ ચેનલના એક રિપોર્ટરે દિનેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો અને મારા એક મિત્ર પાસે તમે અજાણી છોકરી સાથે શરીરસુખ માણો છો તેવી વિડિયો ટેપ છે તેમ કહી મોબાઇલમાં એ ક્લિપ બતાવી રૂ. 3.50 કરોડની માગણી કરવામાં આવી હતી.

ત્યારબાદ સ્થાનિક ચેનલના સંચાલક અને મહિલા રીપોર્ટરે પણ આ જ ક્લિપની વાત કરી રૂ. અઢી કરોડની માગણી કરી હતી. તે પછી રાજકોટના એક વ્યક્તિએ આ જ ક્લિપની વાત કરી એક મહિલા સાથે ફોન પર વાત કરાવી હતી. તેણે પણ રૂ. અઢી કરોડની માગણી કરી હતી. ત્યારપછી હીરાના વેપારીએ પણ ફોન કરી રૂ. બે કરોડની માગણી કરી હતી. એક અજાણી વ્યક્તિએ તો દિનેશ કાછડિયાના મોબાઇલ ફોન પર આ ક્લિપ મોકલી મેસેજ મારફતે 25 બિટ કોઈન્સની માગણી કરી હતી. જેની કિંમત આશરે રૂ. બે કરોડ જેવી થાય છે.

એક તબક્કે એટલે કે મતદાનના બે દિવસ પૂર્વે એક વ્યક્તિ દિનેશ કાછડિયાને મળ્યો હતો. જેણે કહ્યું જો તમે આજે નાણાં આપવાનું નક્કી નહીં કરો તો સામેની પાર્ટી અમને રૂ. 3.50 કરોડ આપવા તૈયાર છે અમે આ વિડિયો ટેપ વાઇરલ કરી દઈશું. દિનેશ કાછડિયાએ એક પણ પૈસો આપવો નથી તેવું કહ્યું ને ખરેખર મતદાનના એક દિવસ પૂર્વે આ વિડિયો ટેપ વાઈરલ થઈ ગઈ હતી. આખરે દિનેશ કાછડિયાએ 13 જણા સામે બ્લેક મેઈલ કરી ખંડણી માંગવાનો ગુનો ક્રાઈમ બ્રાંચમાં નોંધાવ્યો છે.