મેરાન્યૂઝ નેટવર્ક. ભાવનગરઃ દેશના મુંબઈ દિલ્હી અને બેંગલોર જેવા મહાનગરોમાં અંગ્રેજી બોલતી કોઈ યુવતી  સાથે દુષ્કર્મ થાય તો દેશભરનું મીડિયા દિવસો સુધી તેને સમાચારોમાં સ્થાન આપે છે અને કેન્ડલ માર્ચ નીકળે છે પરંતુ ગુજરાતના ભાવનગર શહેરમાં ૧૪ વર્ષની બાળા ઉપર 17 વ્યક્તિઓએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બે દિવસ પહેલા નોંધાઈ હોવા છતાં દેશના જ નહીં ગુજરાતના પ્રસાર માધ્યમોએ તેનો અવાજ બનવાની તસદી લીધી નથી. ભાવનગર પોલીસે આ મામલે સુધી છ આરોપીઓની અટકાયત પણ કરી લીધી છે.

જુલાઈ મહિનામાં ભાવનગરમાંથી ૧૪ વર્ષની બાળા પોતાના ઘરેથી રહસ્યમય રીતે ગઈ હતી સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ભાવનગરના  ઘોઘાનગર  પોલીસ સ્ટેશન બાળાના અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બાળાને શોધવા ભાવનગર પોલીસ છેલ્લા મહિનાઓથી  તપાસ કરી રહી હતી. ત્યારે દિવસ પહેલા પોલીસને જાણકારી મળી કે ભાવનગરના લીલા સર્કલ  નજીક આવેલા એક  ફ્લેટમાં રેખા નામની મહિલા દેહવિક્રયનો ધંધો કરે છે. આ બાતમીના આધારે પોલીસે જ્યારે રેખાના ફ્લેટ ઉપર દરોડો પાડ્યો ત્યારે પોલીસને ગુમ થયેલી આ ૧૪ વર્ષની બાળા મળી આવી હતી. અત્યંત ડરી ગયેલી આ બાળાએ બે દિવસ સુધી આ રેખા જ પોતાની માતા હોવાનું  રટણ પોલીસ સામે કર્યું હતું પરંતુ પોલીસ દ્વારા આ બાળાના માતા-પિતાને લાવી બાળાની ઓળખ કરાવતા માતા-પિતાએ પોતાની જ દીકરી હોવાનું કબુલ્યું હતું.

બે દિવસ સુધી પોલીસે આ બાળાની સમજાવટથી પુછપરછ કરતા તેણે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ  કર્યો હતો. જેમાં ભાવનગરના પીપરલા ગામે  એક બ્રાહ્મણ યુવક સાથે  બાળાના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. જુલાઈ મહિનાથી તેની સાથે જબરજસ્તીથી ધોલેરા ભાવનગર અને તળાજાના 17 કરતા વધુ લોકોએ  શરીર સંબંધ બાંધ્યા હતા. બાળાની કબૂલાત બાદ પોલીસ  દ્વારા બાળાને ભાવનગર સિવિલ મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવતા ડોક્ટરે પણ બાળા સાથે સામુહિક બળાત્કાર થયો હોવાની પૃષ્ટી કરી હતી. દુષ્કર્મ શહેરમાં થાય કે ગામડામાં શિક્ષિત સાથે થાય કે અશિક્ષિત સાથે પરંતુ તેની પીડા તો સરખી જ હોય છે.

બાળા દ્વારા આપવામાં આવેલા નામ આધારે પોલીસે દેહવિક્રયનો ધંધો કરાવનારી રેખા સહિત ૬ લોકોની કરી તપાસ હાથ ધરી છે.