મેરાન્યૂઝ નેટવર્ક.હૈદરાબાદ: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પોલીસે 45 વર્ષીય એક પુરુષની ધરપકડ કરી છે, જે 18 મહિલાઓની હત્યા સહિતના વિવિધ ગુનાના આરોપમાં છે. આ વ્યક્તિની ધરપકડ થતાં પોલીસે તાજેતરમાં બે મહિલાઓની હત્યા કર્યાનું રહસ્ય પણ ઉકેલી લીધું છે.

હૈદરાબાદ સિટી પોલીસ ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને રચકોંડા પોલીસ કમિશનરના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશનમાં આ વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી વ્યક્તિ શહેરમાં પત્થરનું કામ કરે છે. આ પહેલા પણ તે 21 કેસમાં ધરપકડ કરાઈ છે. તેમાંથી 16 હત્યાના છે. ચાર કેસ સંપત્તિના વિવાદથી સંબંધિત છે, જ્યારે એક કેસ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો  છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તેના લગ્ન 21 વર્ષની ઉંમરે થયા હતા, પરંતુ ખૂબ જ ઓછા સમયમાં તેની પત્ની બીજા -પુરુષ સાથે ભાગીગઈ હતી. આ પછી તેણે મહિલાઓને નફરત કરવાનું શરૂ કર્યું. પોલીસના જણાવ્યા મુજબ, તેણે વર્ષ 2003 થી મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ શરૂ કર્યા હતા અને એકલી મહિલાઓને જાતીય તરફેણ માટે પૈસાની લાલચ આપતો હતો અને ત્યારબાદ તેને તેનો શિકાર બનાવતો હતો.

પોલીસે જણાવ્યું હતું કે દારૂ કે તાડી પીધા પછી તે પીડિતોને મારી નાખતો હતો અને ત્યારબાદ તેની કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરીને ભાગી જતો હતો.