મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થવા સાથે જ એક્ઝિટ પોલ આવી જતાં આજે શેરમાર્કેટે તેને કેસરીયા માહોલથી વધાવ્યાં હતાં. જેમાં શેરમાર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં ૯૦૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે નિફ્ટીમાં પણ ૨૫૦ પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે ડોલરની સામે રૂપિયો પણ મજબૂત થયો છે. આ ઉપરાંત હાલ જ્યારે આ લખાય છે ત્યારે બીએસઈ સેન્સેક્સ +1,068.14 વધ્યો હતો અને નિફ્ટીમાં 317.95નો ઉછાળો આવ્યો હતો.

દેશમાં ૧૭મી લોકસભાની રચના માટે ચૂંટણી પુરી થતાં જ વિવિધ ૧૦ જેટલી એજન્સીઓના એક્ઝિટ પોલ આવી ગયા છે. આ એક્ઝિટ પોલમાં મોટાભાગે ભાજપ અને એનડીએને સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકારનો સંકેત આપ્યો છે. જેના કારણે આજે સવારે ખુલેંલુ શેરબજાર પણ મોદીમય બન્યું છે. આજે શેરબજાર ખુલતાની સાથે જ જબ્બર ઉછાળો આવ્યો છે.

શેર બજારમાં સોમવારે સવારે પ્રારંભિક ટ્રેડિંગમાં જોરદાર તેજી જોવા મળી છે. બીએસઇના શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 770.41 પોઇન્ટ વધીને 38701.18 ની સપાટીએ ખુલ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 244.75 પોઈન્ટ વધીને 11651.90 ની સપાટીએ ખુલ્યો છે. પ્રારંભિક ટ્રેડિંગમાં, નિફ્ટીના 100 શેરનો સ્મોલકેપ ઇન્ડેક્સ અને મિડકેપ ઈન્ડેક્સ 2.5 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.આમ શેર બજાર દ્વારા ચૂંટણીના અનુમાનોને સેન્સેક્સમાં ૯૦૦ પોઇન્ટ તેમજ નિફ્ટીમાં પણ ૨૫૦ પોઇન્ટથી વધુનો ઉછાળા સાથે વધાવવામાં આવ્યા છે. 

જ્યારે આજે સોમવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં  પણ મજબૂતાઈ જોવા મળી છે. સોમવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 61 પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.61 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 70.22 પર બંધ રહ્યો હતો.