પ્રશાંત દયાળ (મેરાન્યુઝ.અમદાવાદ): ભાજપ હવે કોર્પોરેટ કંપની બની ગઈ છે જયાં ફાયદો દેખાય તે પ્રમાણે પોતાના નિયમ બદલે છે. નૈતિકતાની વાત કરનાર ભાજપને દિનદયાળની વિચારધારા સાથે હવે કોઈ નીસ્બત રહી નથી, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2006ના ગાળામાં ગુજરાત સરકારે હેલ્મેટનો કાયદો ફરજીયાત કર્યો ત્યારે આ કાયદાનો ભાજપના સિનિયર કાર્યકર અને મિડીયા સેલના સભ્ય મૌલીક જોષીએ( ચંદ્રવિલાસવાળા) વિરોધ કર્યો હતો તેમણે જાહેરમાં નિવેદન આપ્યુ હતું કે માથુ મારૂ છે, મારે હેલ્મેટ પહેરવુ કે નહીં સરકાર કેવી રીતે નક્કી કરે, મૌલીક જોષીના આ નિવેદનની ભાજપે ગંભીર નોધ લીધી અને તેમને શીસ્તભંગની નોટીસ આપી ભાજપમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

1995માં પહેલી વખત ગુજરાતમાં એકલા હાથે સરકાર બનાવનાર ભાજપ સરકાર અને સંગઠન તમામ નૈતિકતાનો ધારણો પ્રમાણે ચાલતા હતા પણ જેમ જેમ સરકાર મોટી થઈ ગઈ તેમ તેમ તેમણે તમામ નૈતિકતા કોરાણે મુકી દિધી છે તેનું ઉત્તમ ઉદાહરણ હેલ્મેટનો કાયદો છે, રાજયની જવાબદારી છે કે તેઓ  રાજયના નાગરિકોની સલામતીનની ચીંતા કરે, ઘણી બાબતો સલામતીની બાબતો સાથે પ્રજા સંમત્ત ના થાય તો પણ પ્રજાની સલામતી માટે કડવા આદેશો આપવા પડે અને તેનો કડક અમલ કરાવવો પણ પડે નરેન્દ્ર મોદીની સરકારે જયારે હેલ્મેટનો કાયદો અમલી બનાવ્યો ત્યારે અમદાવાદના ખાનપુર કાર્યાલયમાં મિડીયા સેલમાં પોતાની સેવા આપતા સિનિયર કાર્યકર મૌલીક જોષીને જ આ નવા કાયદા સામે વાંધો હતો .

શહેરના પોળ વિસ્તારમાં રહેલા મૌલી જોષની દલીલ હતી કે માથુ મારૂ છે મારા માથાની ચીંતા સરકાર કેવી રીતે કરે મારે હેલ્મેટ પહેરવો કે નહીં તેનો નિર્ણય સરકાર લઈ શકે નહીં આ કાયદાનો હું વિરોધ કરૂ છુ આ તમામ બાબતો ત્યારે અખબારમાં પ્રસિધ્ધ થઈ હતી, તે વખતે મૌલીક જોષીએ ભાજપમાં હોવા છતાં કાયદાનો વિરોધ કરતા સરકાર અને સંગઠનને બહુ લાગી આવ્યુ હતું અને ભાજપે મૌલીક જોષી સામે શીસ્તભંગની કાર્યાવાહી કરી ભાજપમાંથી હકાલપટ્ટી કરી હતી હવે તે ભાજપના સરકારે હેલ્મેટનો કાયદો રદ કર્યો તેનો તેવો અર્થ કરવો કે મૌલીક જોષી સાચા હતા.