કિરણ કાપૂરે (મેરાન્યૂઝ.અમદાવાદ): 24 નવેમ્બરે સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટુર્જને પોતાના ટ્વિટર પર એક વાક્ય મૂક્યું : વાડાબંધીને તોડતા આ કાયદા માટે વોટ કરવા અંગે  ગર્વ અનુભવીએ છે. તેમણે આ સાથે એ પણ લખ્યું કે મહિલા અને કિશોરીઓ માટે આ સૌથી મહત્ત્વની નીતિ બનશે. સ્કોટલેન્ડની સંસદે જે કાયદો પસાર કર્યો અને જે માટે વિશ્વભરમાં તેની વાહવાહી થઈ રહી છે તે કાયદો એટલે ‘પિરિયડ પ્રોડક્ટ્સ ફ્રી પ્રોવિઝન’. પશ્ચિમી દેશોમાં બહેનોને પિરિયડની પ્રોડક્ટ્સ વિનામૂલ્યે મળવી જોઈએ તેવી ચળવળ વર્ષોથી ચાલી રહી છે; જે ચળવળને કાયદાથી મહોર સ્કોટલેન્ડ મારી શક્યું છે. આ અગાઉ 2018માં પણ શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં સેનેટરી પેડ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાની પહેલ સ્કોટલેન્ડે કરી હતી, જેને મળેલા આવકારથી સ્કોટલેન્ડ સરકાર અંતે તે પહેલને કાયદા અંતર્ગત લીધી. યુરોપના દેશોમાં પિરિયડ પ્રોડક્ટ્સ ફ્રી અંગેની જાગ્રતી માટે થતા પ્રયાસનું કારણ એ છે કે દર મહિને પિરિયડના ચક્રમાં બહેનોને જે પ્રોડક્ટ્સ ખરીદવા માટે આર્થિક ખર્ચ થાય છે તે પોસાય તેવું હોતું નથી. એક અભ્યાસ મુજબ બ્રિટનની જ દસ ટકા કિશોરીઓ સેનેટરી પ્રોડક્ટ્સને અફોર્ડ કરી શકતી નથી! યુરોપના દેશોમાં જો આ સ્થિતિ હોય તો સ્વાભાવિક છે કે ભારત જેવાં દેશોમાં આ અંગે અનેક પીડાદાયક કહાનીમાંથી પસાર થવું પડે.

આધુનિક સમાજમાં માનવી પર જે આશિર્વાદ વરસ્યા છે તેમાં આવી કેટલીક પાયાની બાબતો પણ છે, જે અંગે હજુ એકાદ સદી અગાઉ પણ મહદંશે લોકો અજ્ઞાનમાં જીવતા હતા. તે અજ્ઞાનતા આજે નવીન શોધ અને ટેક્નોલોજીના કારણે ઘટી રહી છે અને તેનો લાભ મહત્તમ લોકોને મળી રહ્યો છે. મહિલાઓના પિરિયડ પ્રોડક્ટ્સ પણ તેમાંની એક શોધ છે. બહેનોના માસિક ચક્રની બાબતમાં પણ જે પેડનો પહેલોવહેલો ઉપયોગ થયો તે પેડ સૈનિકોને થયેલાં જખમો પરનાં લોહીને અટકાવવા માટે થયો હતો. સૈનિકો માટેના આ પેડ બનાવવાનો શ્રેય અમેરિકાના બહુઆયામી વ્યક્તિ બેન્જામિન ફ્રેન્કલિનને જાય છે. તે અગાઉ 1888માં ‘જોહસન એન્ડ જોહસને’ ડિસ્પોઝેબલ નેપકિન નિર્માણ કરી ચૂક્યું હતું. પરંતુ મોટી સંખ્યામાં નર્સોએ જ્યારે સૈનિકોના પેડનો ઉપયોગ પોતાના માસિક સ્ત્રાવના ફ્લોને અટકાવવા માટે કર્યો ત્યારે નર્સોને આ પેડ વધુ સગવડભર્યા લાગ્યા.


 

 

 

 

 

1921માં અમેરિકાની ‘કોટેક્સ’ કંપનીએ સૌપ્રથમ મહિલાઓને અનુકૂળ આવે તેવાં પેડનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તે પહેલાં મહિલાઓ મહદંશે માસિકસ્ત્રાવ વખતે ઘરે કાપડથી બનાવેલાં પેડનો ઉપયોગ કરતી. સમયાંતરે તેમાં સુધાર થતાં ગયા અને 1956માં અમેરિકાના મેરી કેનરે નામની મહિલાએ સેનટરી બેલ્ટનું નિર્માણ કર્યું, જે સેનેટરીના ઇતિહાસમાં માઇલસ્ટોન શોધ કહેવાય છે. આ રીતે તેમાં અસંખ્ય બદલાવ આવતાં ગયા અને આજે સેનેટરી પેડ્સ અત્યંત સુવિધાજનક બની ચૂક્યા છે. જોકે સમય અને સુવિધા સાથે તેની કિંમત પણ વધી છે અને જે પ્રમાણે બહેનો નોકરી-બિઝનેસમાં આવતી ગઈ તે રીતે તો તેની જરૂરીયાત પણ વધતી ગઈ.

માસિકસ્ત્રાવ અંગેની જાગ્રતી વધી અને તે કારણે પેડનો ઉપયોગ વધ્યો. જોકે, જાગ્રતી આવવા છતાં બહેનો માટે પિરિયડના પ્રોડક્ટ્સ ખર્ચાળ લાગતાં રહ્યાં છે. દર મહિને મહદંશે પાંચ દિવસના આ ગાળામાં પેડનો ઉપયોગ થાય છે અને તે માટેનો જે ખર્ચ થાય છે તે બધી બહેનોને પોસાય તેમ હોતો નથી. સ્કોટલેન્ડની સરકારે હાલમાં આ ખર્ચની વિગત આપી છે. એક અદાંજ મુજબ સ્કોટલેન્ડમાં પિરિયડના પાંચ દિવસમાં મહિલાઓને આવતો ખર્ચ આઠ પાઉન્ડ(790 રૂપિયાની આસપાસ) થાય છે.

સ્કોટલેન્ડ સરકારે જ્યારે શાળા, કોલેજોમાં પિરિયડ પ્રોડક્ટ્સ વિનામૂલ્યે કરી હતી ત્યારે તેની પાછળ 52 કરોડનું ભંડોળ ફાળવ્યું હતું, હવે તેમાં બીજા 31 કરોડોનો ઉમેરો થવાનો છે. પેડને લઈને જે કિંમત વિશ્વભરમાં જોવા મળે છે તેનું એક કારણ પેડને ઘણાં દેશોમાં લક્ઝરી પ્રોડક્ટ તરીકે ગણવામાં આવે છે. હંગરી અને સ્વિડનમાં તો સેનેટરી પેડ પર સૌથી વધુ કર નાંખવામાં આવ્યો છે. અમેરિકામાં પણ પિરિયડ પ્રોડક્ટ્સ પર દસ ટકા ટેક્સ છે. યુરોપના આ બધા જ દેશો પર હવે પિરિયડ પ્રોડક્ટસ પરના કર દૂર કરવાની નેમ રાખી છે, પણ આ પ્રોડક્ટના કરમાંથી ઊભી થતી આવકના મોહમાંથી હજુ ઘણી સરકાર મુક્ત થઈ નથી. ભારતમાં 2018થી તમામ સેનેટરી પ્રોડક્ટ્સ પર કર નાબૂદ કરી દેવામાં આવ્યો છે. આ પ્રોડક્ટ્સ પર કર નાબૂદ કરનારા અન્ય દેશોમાં કેનેડા, આઇરલેન્ડ, દક્ષિણ આફ્રિકા પણ છે.


 

 

 

 

 

મહિલાઓને માસિક દરમિયાન જે-તે પ્રોડક્ટસથી તેને સુરક્ષા મળે છે તે પોસાતી નથી તેને અનુલક્ષીને પશ્ચિમમાં ‘પિરિયડ પોવર્ટી’ નામનો શબ્દ પણ કોઈન થયો છે. ‘પિરિયડ પોવર્ટી’ની સૌથી વધુ ચર્ચા અત્યારે કોરોના કાળમાં થઈ રહી છે જ્યારે બહેનોના આ પ્રોડક્ટસના ખર્ચ પર સૌથી પહેલાં કાપ મૂકાયો છે. ભારતમાં માસિક સ્ત્રાવ અંગેનું આ ચિત્ર વધુ ગંભીર છે. આપણે ત્યાં અંદાજે સિત્તેર ટકા બહેનો માસિક દરમિયાનની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા અક્ષમ છે, જેનું મુખ્ય કારણ આર્થિક છે. ભારતમાં માસિક સ્ત્રાવ દરમિયાન બહેનોને થતો મહિનાનો સરેરાશ ખર્ચ રૂપિયા ત્રણસો છે. આ ઉપરાંત પણ માસિક સ્ત્રાવને લઈને જે સામાજિક સ્થિતિ છે તેને લઈને પણ બહેનો યોગ્ય સુવિધા મળતી નથી. માસિક સ્ત્રાવ અંગે આર્થિક ઉપરાંત અનેક કારણો છે જે વિશે ભારતમાં અનેક સંસ્થાઓ મુહિમ ચલાવી રહી છે. આપણે ત્યાં આવું જ એક કાર્ય ‘ધ પેડ પ્રોજેક્ટ’ અંતર્ગત થઈ રહ્યું છે.

મૂળે અમેરિકાની આ સંસ્થાએ ભારતમાં માસિક દરમિયાન બહેનોને પડતી મુશ્કેલી અંગે પેડ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત અનેક પાસાં પર કામ કર્યું છે. તેમાં એક માઇલસ્ટોન લાગે તેવું કામ થયું છે તે ઉત્તરપ્રદેશના નાનકડાં હપુર શહેરમાં. અહીંયાની મહિલાઓ સેનેટરી પેડનું મશીન ઓપરેટ કરવાનું જાતે શીખ્યાં જે મશીન કિફાયતી દામનું સેનેટરી પેડ ઉત્પાદન કરે છે. ઉત્તર પ્રદેશના આ શહેરમાં માસિક સ્ત્રાવમાં મહિલાઓને સુરક્ષા બક્ષતી પ્રોડક્ટ્સનું જે ક્રાંતિ થઈ છે તેની નોંધ ‘ધ પેડ પ્રોજેક્ટ’ વિશેષ રીતે લીધી છે અને તેને લઈને ‘પિરીયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની ચૂકી છે. 2018માં આ ફિલ્મને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ મળી ચૂક્યો છે. આ ફિલ્મની હપુરની બહેનોની પહેલની કહાની કહે છે પણ તેના નાયક તમિલનાડુના સામાજિક કાર્યકર અરૂણાચલમ મુરુગાનન્થમ્ છે. અરૂણાચલમને જ સૌપ્રથમ કિફાયતી દરે સેનેટરી પેડનું ઉત્પાદન કરવાનો વિચાર આવ્યો હતો. આ વિચારને અમલી બનાવીને તેમણે એવું મશીન વિકસાવ્યું અને તે મશીનનો વ્યાપક પ્રચાર-પ્રસાર કર્યો,

જે કારણે ભારતમાં આજે ખૂબ સસ્તા સેનેટરી પેડ મહિલાઓને સુલભ થઈ શક્યા છે. તેમના જીવન પરથી અક્ષયકુમારની ‘પેડ મેન’ ફિલ્મ નિર્માણ થઈ છે. 2014માં અરૂણાચલમને ‘ટાઇમ’ મેગેઝીન દ્વારા વિશ્વના સૌથી પ્રભાવિત કરનારા સો વ્યક્તિઓની યાદીમાં સામેલ કર્યા હતા. 2016માં તેઓને પદ્મશ્રી સન્માન પણ મળી ચૂક્યું છે. અહીંયા અરૂણચલમની વિસ્તૃત કહાનીનો ઉપક્રમ એટલો જ છે કે ભારતમાં પિરિયડ પોવર્ટી નાબૂદ કરવાનો આઇડિયા તો મળી ચૂક્યો છે, પણ તેને લઈને ઝડપથી કામ થઈ રહ્યું નથી. કેટલાંક હિસ્સામાં તેને લઈને ઘરમૂળથી બદલાવ આવ્યો છે, પણ માસિક સ્ત્રાવ દરમિયાન પિરિયડ પ્રોડક્ટ્સથી વંચિત મહિલાઓના જે મસમોટા આંકડા છે તેનાથી હજુ સુધી છૂટકારો મળી શક્યો નથી. અરૂણાચલમની આ શોધ કેટલી મહત્ત્વની છે તેનું આકલન આર્થિક પાસાંને અનુલક્ષીને કરીએ તો તરત ખ્યાલ આવી શકે. જેમ કે સેનેટરી પેડ ઉત્પાદન કરવા માટે સામાન્ય રીતે જે રોકાણ કરવું પડે તે અંદાજે સાડા ત્રણ કરોડની આસપાસ હતું. અરૂણચાલમની શોધથી આ મશીન રૂપિયા સિત્તેર હજારમાં ઉપલબ્ધ થઈ શક્યું છે! આ મશીન પર દર કલાકે 120 સેનેટરી નેપકિન બનાવી શકાય છે. તેમાં ઉત્પાદન થોડું ઓછું હોવા છતાં રોકાણના મસમોટા ખર્ચથી બચીને નાના પાયે રોકાણ કરીને સતત મોટું ઉત્પાદન લઈ શકાય છે. ભારતમાં એ રીતે મેન-ફિમેલ ફોર્સની કમી નથી.

માસિક સ્ત્રાવને લઈને સ્કોટલેન્ડે જે પહેલ કરી છે તેનાથી તો આપણે હજુ ખૂબ દૂર છીએ, પણ કમસે કમ કિફાયતી દામે જો એકએક મહિલાઓને પિરિયડ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ થવા માંડે તો પણ તે ક્રાંતિ જ કહેવાશે.