પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): નિત્યાનંદ બાબા પ્રકરણ બાદ ગેરકાયદે ચાલી રહેલી અમદાવાદના હાથીજણ વિસ્તારની ડીપીએસ ઈસ્ટ સ્કૂલ સામે ફરિયાદ કરવાની શિક્ષણ વિભાગને ફરજ પડી હતી. શુક્રવારના રોજ શિક્ષણાધિકારીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ સામે નોંધાવેલી ફરિયાદ બાદ ડીપીએસના સીઈઓ મંજુલા પુજા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને તત્કાલીન પ્રિન્સીપાલ અનિતા દૂવાના ઘરે પોલીસ પહોંચી તો ત્રણ પૈકીના એક પણ આરોપીઓ પોલીસને મળી આવ્યા ન હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસ તેમના નિવેદન નોંધવા માગતી હતી પરંતુ તેઓ પોતાના ઘરે મળી આવ્યા નથી.

રાજકીય છત્રછાયામાં નેતાઓ અને સનદી અધિકારીઓની મીઠી નજર તળે ગેરકાયદે ચાલતી ડીપીએસ ઈસ્ટ સ્કૂલમાં ચાલી રહેલા નિત્યાનંદ બાબાના આશ્રમ પછી સરકાર સામે અનેક સવાલો ઊભા થયા હતા. જોકે પ્રથમ તબક્કે મંત્રી અને અધિકારીઓ મંજુલા શ્રોફના વગને કારણે તપાસનું નાટક કરી તપાસનું ફીંડલું વાળી દેવાના મૂળમાં હતા. આ મામલે કહેવા પુરતી કાર્યવાહી થાય તેવા સરકારના પ્રયત્નો હતા.

શુક્રવારના રોજ અમદાવાદ ગ્રામ્યના શિક્ષણાધિકારી વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા પહોંચ્યા હતા. ફરિયાદમાં શાળાના તત્કાલીન પ્રિન્સિપાલ અનિતા દૂવા અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતના જ નામનો ઉલ્લેખ હતો. ફરિયાદ અત્યંત અસ્પષ્ટ હતી. ફરિયાદમાં કોણે શું ખોટું કર્યું છે કેવી રીતે કર્યું છે તેની યોગ્ય સ્પષ્ટતા ન હતી. આમ પૂર્વ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી પર દોષનો ટોપલો ઢોળીને મંજુલા શ્રોફ નીકળી જવા માગતા હતા પરંતુ આ મામલો મીડિયામાં લીક થઈ જતાં મોડી રાત્રી સુધી શિક્ષણાધિકારી ઉપર તેમના ઉચ્ચ અધિકારીઓના ફોન આવી રહ્યા હતા. આખરે રાત્રે નક્કી થયું કે, આરોપીઓના નામમાં મંજુલા શ્રોફનું નામ પણ ઉમેરવામાં આવે. આથી ફરિયાદમાં આરોપી નં.3માં મંજુલા શ્રોફનું નામ ઉમેરવામાં આવ્યું હતું.

આ ફરિયાદ પછી અમદાવાદ ગ્રામ્ય પોલીસ શનિવારના રોજ ત્રણેય આરોપીઓના ઘરે પહોંચી તો ત્રણેય ઘરે મળી આવ્યા ન હતા. સંભાવના એવી છે કે ત્રણેય આરોપીઓ પોલીસ સામે હાજર થતાં પહેલા આગોતરા જામીન મેળવવાનો પ્રયત્ન કરશે. બીજી તરફ ભાર બહાર જતા રહેલા નિત્યાનંદ બાબા સામે રેડ કોર્નર નોટિસ છે કે નહીં તેની તપાસ માટે પોલીસની એક ટીમ કર્ણાટક પહોંચી છે, જે પરત આવ્યા બાદ તે કેસમાં પણ આગળની કાર્યવાહી થશે.