પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): વર્ષ 2018માં નવજીવન ટ્રસ્ટે સાબરમતી જેલના કેદીઓ વચ્ચે પત્રકારત્વ ભણાવવાનો નિર્ણય કર્યો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા માન્ય ડિપ્લોમા ઈન જર્નાલિઝમ કોર્ષનો જેલમાં પ્રારંભ થયો. ભારતની પ્રથમ જેલ છે જ્યાં પત્રકારત્વ ભણાવવામાં આવે છે.

માસ કોમ્યૂનિકેશન અભ્યાસક્રમનો ભાગ હોવાને કારણે વિવિધ માધ્યમોના નિષ્ણાંતો દ્વારા લેક્ચર લેવામાં આવે છે. નવજીવન ટ્રસ્ટના પત્રકારત્વ વિભાગના કોર્ડીનેટર કિરણ કાપુરે તે દિવસે બિઝનેસ રિપોર્ટીંગ ભણાવવાના હતા. ક્લાસ શરૂ થયાને દસ મિનિટ થઈ હશે ત્યારે વિદ્યાર્થીઓ પૈકીનો એક હાથ ઊંચો થયો અને તેણે વિનંતી સ્વરમાં કહ્યું કે, સાહેબ હું શેર બજાર અને સેન્સેક્સ વિશે જાણું છું. હું ભણાવી શકું? કિરણ કાપુરેએ તરત તેને ભણાવવાની મંજુરી આપી.


 

 

 

 

 

વલસાડની ખાંડ મંડળી સહિત રિલાયન્સ, ટાટા અને અદાણી જેવી મોટી કંપનીઓના શેરનું ગણિત શું છે તે બહુ સરળ ભાષામાં ચિરાગ રાણાએ ભણાવ્યું. ચિરાગ રાણા 25 વર્ષની ઉંમરે જેલમાં આવ્યો આજે તે વાતને 12 વર્ષ થઈ ગયા છે. ચિરાગ કહે છે કે, જેલમાં આવ્યો ત્યારે આંખ સામે અંધકાર હતો અને એવું લાગ્યું કે હું એકલો પડી ગયો છું. આવું લગભગ જેલમાં આવનાર દરેક વ્યક્તિ સાથે થાય છે.

ચિરાગે જેલમાં ભણવાનું શરૂ કર્યું અને 12 વર્ષમાં 30 જેટલી વિવિધ વિષયોની પરીક્ષાઓ પાસે કરી. તેણે ગુજરાત યુનિવર્સિટીથી લઈ ઈગનુ સહિતની યુનિવર્સિટીમાં પરીક્ષાઓ આપી. કિરણ કાપુરે કહે છે કે એક બિઝનેસ અખબારના રિપોર્ટરમાં બજારની સમજ હોય તેના કરતાં પણ સારી સમજ ચિરાગ પાસે છે. એટલે જ ચિરાગ જ્યારે રજા ઉપર હોય અને જેલની બહાર આવે ત્યારે નવજીવનના પત્રકારત્વના વિદ્યાર્થીઓને બિઝનેસ રિપોર્ટિંગ ભણાવવા અમે ચિરાગને બોલાવીએ છીએ. ચિરાગ અમારો ફેકલ્ટી લેક્ચરર છે તેનું અમને ગૌરવ છે. જુઓ ચિરાગની વાત ચિરાગના જ શબ્દોમાં ચિરાગના વીડિયો મારફતે...