જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): ગુજરાતમાં વિવિધ પ્રકારના ઉત્સવો-ઉજવણીઓ પાછળ કરોડોનું એંધાણ કરવા ઉપરાંત સર્વ શિક્ષા અભીયાન, ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા આયોજન સાથે ભણે ગુજરાતની મોટા ઉપાડે વાતો કરનારી ભાજપ સરકારના શાસનમાં શાળાના બાળકો જ્યાં પ્રાથમીક જ્ઞાન મેળવે છે તેવી પ્રાથમીક શાળાઓમાં પૂરતા ઓરડા ન હોવાથી મેદાનમાં કે ઝાડ નીચે અથવા અન્ય સ્થળે બાળકોને ભણવું પડે છે. ભાજપના વિકાસના દાવાઓને પોકળ સાબીત કરતા દ્રશ્યો અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના જાલમપુર ગામમાં જોવા મળ્યા હતા. જાલમપુર ગામમાં દેવીપૂજક ફળિયામાં પ્રાથમીક શાળા ઝૂંપડામાં ચાલી રહી છે. ઝૂંપડામાં ચાલતી પ્રાથમીક શાળામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે.

અહીં એક બ્લેકબોર્ડ, બે ખુરશી, ટેબલ અને માથે તાડપત્રીની ઝુંપડી સિવાય સુવિધાના નામે મીંડુ છે. અહીં એક શિક્ષક બાળકોને ભણાવે છે. વાત અહીં એ છે કે જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે રાજકીય આગેવાન માટે મંડપ, સ્ટેજ, એસી જેવી સુવિધાઓ ઊભી થઈ શકતી હોય તેવો એક કાર્યક્રમ ઘટાડી આવી ઘણી શાળાઓ માટે સુવિધાઓ ઊભી થઈ શકે છે. જોકે એકાદ બે વર્ષ માત્ર ચાલતો રોડ જોઈ તેને વિકાસ સમજી લેતી પ્રજા માટે આ બધું જોવાનો સમય ક્યાં હોય છે? ભણતર, રોજગારી, ધંધા, લોકોની જીવન શૈલી, કાયદો કાનુન વ્યવસ્થા વગેરે જેવી બાબતો પર પણ સમાંતર વિકાસ જોવો તે પણ જરૂરી છે. 

ગુજરાતમાં પ્રાથમીક શિક્ષણના સુધારણા માટે છેલ્લા ૧૦ વર્ષથી ગુણોત્સવ અને પ્રવેશોત્સવના મોટા મોટા તાયફા કરવામાં આવી રહ્યા છે. રાજ્યની પ્રાથમીક અનેક શાળાઓ જર્જરિત અને ઓરડાની ઘટ છે. એસી ચેમ્બરમાં બેસીને શાળા પ્રવેશોત્વ અને ગુણોત્સવ ઉજવતી સરકારને ક્યાં ખબર છે? તેવું નથી સરકાર ઘણું જાણે છે. ગુજરાતના નાનકડાં ગામડાંઓની શાળાઓ હજુ પણ ઓરડામાં નહીં ઝૂંપડામાં ચાલે છે. બાળકોના સર્વાંગી વિકાસની વાતો જ્યાંથી જોર શોરથી થઇ રહી છે તેવા ગાંધીનગરના નાક નીચે અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના જાલમપુર ગામ જોજનો દૂર છે. જાલમપુર દેવીપૂજક ફળિયામાં આવેલી પ્રાથમીક શાળાના ૩૨ જેટલા બાળકો હજુ પણ ઝૂંપડામાં ભણવા માટે મજબૂર છે.

જાલમપુર ગામના દેવીપૂજક વસાહતના બાળકો અભ્યાસથી વંચીત ન રહે તે માટે બે વર્ષ અગાઉ વર્ગ શાળા શરુ કરવામાં આવી છે. શાળાનો કોડ અને શિક્ષક પણ ફાળવાઈ ગયા છે શિક્ષક અને ગ્રામજનોએ જાત-મહેનતના અંતે એક ઝૂંપડુ બનાવ્યું છે. જેમાં ધોરણ ૧ થી ૫ સુધીના ૩૨ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. આ શાળામાં શિક્ષક બાળકોને અભ્યાસ પણ કરાવી રહ્યા છે. ઓરડાના અભાવે શિક્ષક અને ગ્રામજનો  ઝૂંપડામાં વર્ગ શાળા ચલાવવા મજબુર બન્યા છે. શાળા માટે ઓરડાની ગ્રાંટની ફાળવણી પણ થઇ ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ત્યારે ઓરડાની ગ્રાન્ટની ફાઈલ કેટલે અટકી છે તેનો જવાબ કોઈ પાસે નથી.

જાલમપુર ગામના ગ્રામજનોના જણાવ્યા અનુસાર, શાળા માટે પાકા મકાનની માંગ સાથે તંત્રને અનેક રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. બીજી તરફ ધનસુરાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછવામાં આવતા તેમણે પોતાની નવી નિમણૂંક થઈ હોવાથી તેમને કોઈ ખબર ના હોવાનું જણાવી પોતાના હાથ અદ્ધર કરી દીધા છે. શિક્ષણ વિભાગના અધિકારીઓના આવા ઉડાઉ જવાબો અને સરકારની લાલિયાવાડીની ચરમસીમાના કારણે મજૂરી કરીને પોતાનું પેટિયું રળતા પરિવારના બાળકો આખરે જાય ક્યાં? શું આ ગુજરાતનું ભાવિ અંધકારમાં નથી.