મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ કહેવાય છે કે આપણી પૃથ્વી ઉપર જીવનની શરૂઆત સમુદ્રમાં થઈ હતી. સમુદ્રની અંદર જેમ જેમ ઊંડા જઈએ તેમ તેમ તેમાં ઘણી બધી અજાયબીઓ જોવા મળે છે. સમુદ્રમાં હજુ કેટલાક ભાગ એવા છે જ્યાં સુધી મનુષ્ય પહોંચ્યા નથી. તાજેતરમાં એક રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા સમુદ્રમાં ખૂબ જ દુર્લભ એવા પારદર્શક ઓક્ટોપસનો ફોટો લેવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Schmidt Ocean Institute દ્વારા સમુદ્રમાં રહેલા રહસ્યમયી જીવો પર શંસોધન કરવામાં આવે છે. થોડા સમય પહેલા એક ડાઈવ દરમિયાન ફિનિક્સ આઇલેન્ડ્સ દ્વીપસમૂહ (યુએસ ઇઇઝેડ)માં ટોકેલાઉ રિજ પર વિન્સ્લો રીફ સંકુલમાં સીમાઉન્ટમાં ૬૫૧ મીટર ઊંડાઈ પર એક પારદર્શક ઓક્ટોપસ જોવા મળ્યો હતો. આ દુર્લભ ઓક્ટોપસને પોતાની લાક્ષણિકતાને આધારે ટ્રાંસ્પરન્ટ ઓક્ટોપસ નામ આપવામાં આવ્યું છે. આ ઓક્ટોપસના માત્ર કોષિકા, આંખની કીકી, અને તેનું પાચનતંત્ર જોઈ શકાય છે.

Advertisement


 

 

 

 

 

આ ઓક્ટોપસની લંબાઈ તેના હાથ વગર ૧૧ સેન્ટીમીટર જેટલી છે અને હાથ સાથે ૪૫ સેન્ટીમીટર જેટલી છે. ઓક્ટોપસની આ પ્રજાતિ ખૂબ દુર્લભ છે અને તે ભાગ્યે જ જોવા મળે છે. આ ઓક્ટોપસ વિશે વૈજ્ઞાનિકોને અત્યાર સુધી જે જાણકારી મળી છે તે માત્ર કોઈ મોટી માછલી અથવા સમુદ્રી જીવના શિકાર થઈ ગયા બાદ મળી છે. આ એક ખુલ્લા સમુદ્રમાં દરિયા કિનારાથી દૂર જોવા મળતી પ્રજાતિ છે. આઈયુસીએન દ્વારા પારદર્શક ઓક્ટોપસને ઓછી ભયજનક પ્રજાતિમાં ગણાવી છે.

આવા અનેકો સમુદ્રી રહસ્યમયી જીવો રહેલા છે. જેની અત્યાર સુધી આપણને ખબર નથી પણ જેમ જેમ આપણે સમુદ્રમાં ઊંડા ઉતરતા જઈશું તેમ તેમ નવા નવા જીવો જોવા મળશે અને ઘણા બધા આવા દુર્લભ જીવો પણ જોવા મળશે.

(અહેવાલ સહાભારઃ દેવલ જાદવ, ગાંધીનગર)