તુષાર બસિયા/શૈલેષ નાઘેરા(ગીર-સોમનાથ): દેશમાં કોઈ પણ યોજના આવે અને તેમાં ભ્રષ્ટાચારની વાત ના આવે તો જાણે ભ્રષ્ટાચારીઓને ખાલીપો લાગતો હશે. સરકાર દ્વારા રોજગારી આપવા શરૂ કરાયેલી મનરેગા યોજનામાં પણ ભ્રષ્ટાચારની બદી પહોંચી ગઈ છે તેવી એક વાત સામે આવી છે, જેમાં વેરાવળ તાલુકાના નાખડા ગામના એક વ્યક્તિએ મનરેગામાં કામ જ નથી કર્યું છતાં તેના ખાતામાં પૈસા જમા થયા છે, વળી આ પૈસા જમા કેવી રીતે અને શા માટે થયા એ હકિકત સાંભળીને કલ્પના બહારનું સેટીંગ હોય તેમ જાણવા મળે છે.

સમગ્ર ઘટના એવી છે કે ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાખડા ગામના એક વ્યક્તિ (મેરાન્યૂઝ પાસે નામ અને પુરાવા છે) તેને તેના મિત્ર (જેને એજન્ટ તરીકે ઓળખીશું) એ પોતાને કંઈક પૈસા લેવાના છે જે તારા ખાતામાં નખાવા માટે તારી પાસબુક આપજે તેવું જણાવ્યું હતું. બાદમાં આ વ્યક્તિના બેંક ખાતામાં સપ્ટેમ્બર માસમાં 4 વખત પૈસા ટ્રાન્સફર પણ થયા, જેની કુલ રકમ રૂ. 3204 છે. બાદમાં આ વ્યક્તિને એજન્ટે કહ્યું કે તારા ખાતમાંથી જમા થયેલી રકમ ઉપાડી આપ. પૈસા ઉપાડવા માટે તે વ્યક્તિ બેન્ક પર ગયો અને તેને સ્વાભાવીક પુછપરછ કરી કે, આ પૈસા શેના છે ? અને ક્યાંથી આવ્યા છે ? ત્યારે તેને જાણકારી મળી કે આ પૈસા નરેગાના છે. આ જાણકારી મળતા જ આ વ્યક્તિને ખ્યાલ આવ્યો કે આ બાબતે કોઈને જાણ કરવી જોઈએ કેમકે પૈસામાં કંઈક તો ગરબડ છે, અથવા ભ્રષ્ટાચારના આરોપમાં પોતે પણ ફસાઈ શકે છે.


 

 

 

 

ગભરાયેલો વ્યક્તિ સત્ય હકિકત જણાવવા માટે સીધા જ પોતાના ગામના તલાટી મંત્રી પાસે ગયો હતો. તલાટી મંત્રી એ સમગ્ર ઘટનાને સાંભળી અને પુરી જાણકારી મેળવી જાણ કરશે તેવું આશ્વાસન આપી રવાના કરી દીધા હતા. બાદમાં તલાટી મંત્રીએ તપાસ કરી આ વ્યક્તિને જણાવ્યું કે નરેગામાંથી તો ના પાડે છે, તેમને કહ્યું છે કે અમે આવું કોઈ પેમેન્ટ આપ્યું નથી. પૈસા શેના આવ્યા એની ગડમથલ વચ્ચે આ વ્યક્તિ સરપંચ પાસે પહોંચે છે અને કહાની જણાવે છે, સરપંચ પણ યોગ્ય જવાબ આપતા નથી. આ પૈસાની ફરિયાદ કરતો આ વ્યક્તિ ફરતો રહે છે એ દરમિયાન પણ એજન્ટ પૈસા ઉપાડી આપવાની માંગણી ચાલુ રાખે છે, પરંતુ પૈસા શેના છે તે જાણ્યા સિવાય નહીં ઉપાડું તેમ જણાવી દઈ આ વ્યક્તિ આગળ શું કરવું તે વિચારે છે. તલાટીએ વ્યક્તિને જણાવ્યું હતુ કે આ પૈસા ઉપાડતા નહીં બાકી આમાં કંઈ સળગશે કે કોકડૂં ખુલશે તો તમારે પાછા ચુકવવા પડશે. આ વ્યક્તિ એ મેરાન્યૂઝના પત્રકારનો સંપર્ક કરી મદદ માંગી હતી, જેના કારણે સમગ્ર કરાસ્તાનની જાણકારી આપની સમક્ષ આવી રહી છે.

આ બાબતે મેરાન્યૂઝના પત્રકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે સુત્રો દ્વારા માહિતી મળી હતી કે આવું ઘણા ખાતામાં થયું છે. જે લોકોના ખાતામાં પૈસા જમાં થયા છે તે લોકો બોલતા નથી. તેમજ આ એજન્ટ સાથે અધિકારી પણ સંપર્કમાં છે માટે લોકો બિન્દાસ છે. આ બધા શંકાસ્પદ ટ્રાન્ઝેકશન મિલીભગત દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આગળ વધારે માહિતી મેળવવા માટે મેરાન્યૂઝના પત્રકારે વેરાવળના તાલુકા વિકાસ અધિકારી સાથે ટેલીફોનીક વાત કરી આ બાબતે તેમની પ્રતિક્રિયા જાણવામાં આવી હતી. જેમાં ટી.ડી.ઓ. આ બાબતે અજાણ છે અને આ વર્ષે નાખડામાં કોઈ કામ થયું નથી તેવું જણાવી દેવાયું છે. છતાં અમારી પાસે પુરાવા છે તેવી વાત કરવામાં આવતા તેમણે સુત્રોના નામની જાણકારી માંગી હતી. જે માહિતી મેરાન્યૂઝના પત્રકારે નહીં આપી માત્ર ઘટના સમજાવવા પ્રયત્નો કર્યો હતો. આ બાબતો સમજી તેમને કહ્યું કે નાના મોટા કામ સિવાય કોઈ નરેગાના કામો થયા નથી, જો થયા હોય તો મારી સહી થાય જ. છતાં આ બાબતે તપાસ કરાવું છું.

ટી.ડી.ઓ. સાથે વાત થતા અમુક વ્યક્તિઓ સબંધના નામે પત્રકારને ફોન કરી સમાચાર ઉભા રાખવાના પણ પ્રયત્નો થયા છે. આ ઘટનાક્રમથી એક વાત તો સામે આવે છે કે એજન્ટ ઊંચા સંપર્કો ધરાવતો છે અથવા તેઓ મેરાન્યૂઝના પત્રકારોની ગતીવિધી પર ધ્યાન રાખી રહ્યા છે. તેમજ આ પૈસા નરેગાના છે એવો સ્પષ્ટ દાવો અમને માહિતી પૂરી પાડનાર વ્યક્તિ કરી રહ્યા છે, ઉપરાંત તેમને બેંક દ્વારા પણ જણાવી દેવાયું છે કે આ પૈસા નરેગાના છે. ટી.ડી.ઓના કહેવા મુજબ તેમના હસ્તાક્ષર જરૂરી હોય તો આ કારસ્તાનથી તેઓ અને તલાટી મંત્રી પણ અજાણ કેવી રીતે હોય તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચામાં છે.