મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં સહકારી સંસ્થાઓમાં છાછવારે પ્રજાના પ્રતિનિધિઓ ગોબાચારી આચરી લાખ્ખો-કરોડો રૂપિયા ખિસ્સામાં સેરવી લેતા હોય છે. બાયડ તાલુકાની ૩ થી વધુ દૂધ મંડળીમાં પણ યેનકેન પ્રકારે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું અને ગમે તે ઘડીએ ઉચાપતની ફરિયાદ નોંધાઈ શકે છે. ચોઈલા ગામમાં આવેલી ધી આદર્શ દૂધ મંડળી દ્વારા અપાયેલા કોન્ટ્રાક્ટરે જ 3 વર્ષમાં 1,264 સાબરદાણની બોરીઓનું ગબન કર્યું હોવાનું બહાર આવતા મંડળીના ચેરમેને કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરતા સહકારી જગતમાં હડકંપ મચ્યો હતો.

બાયડ તાલુકાની વાસણી રેલ દૂધ મંડળીમાં ઉચાપત તેમજ ઉત્પાદકોને પેમેન્ટ ચુકવાયા મુદ્દે ફરિયાદ થયાની શાહી સુકાઈ નથી ત્યાં તો બાયડ તાલુકાના ચોંઈલા દૂધમંડળીમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાબરદાણ કોન્ટ્રાક્ટર દદ્વારા 12.94 લાખથી વધુના સાબરદાણના વેચાણમાં ગફલું કરતાં મંડળીના ચેરમેને બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કોન્ટ્રાક્ટર દ્રારા 3 વર્ષથી સાબરદાણ ગ્રાહકોને વેચ્યા બાદ નાણાં પોતાના અંગત ઉપયોગ માટે વાપર્યા હોવાનો આક્ષેપ મંડળીના ચેરમેને ફરિયાદ કર્યો હતો.નજેને પગલે બાયડ પોલીસે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાયડ તાલુકાના ચોંઈલા દૂધ સહકારી મંડળી વર્ષોથી કાર્યરત છે. 400 જેટલા સભાસદો પ્રતિદિન 8000 લી. જેટલું દૂધ મંડળીમાં ભરાવી રહ્યાં છે. દૂધ ઉત્પાદક સહકારી મંડળીની જનરલ સભામાં ઉત્પાદકોને સાબરદાણનાં વેચાણ માટે કોન્ટ્રાક્ટ ફ્ળવાયો હતો. ત્યારે મંડળી દ્રારા મુકાયેલ કોન્ટ્રાક્ટર મેલાભાઇ બેચરભાઇ પટેલ દ્વારા પોતાના વેચાણ કોન્ટ્રાક્ટ દરમ્યાન 30 જૂન 2015 થી 30 ઓકટોબર 2018 સુધીના સમય ગળામાં અલગ અલગ દિવસો દરમ્યાન 12,94,915 રૂપિયાની રકમના 1264 સાબરદાણના કટ્ટાનું વેંચાણ કર્યું હતુ. આ વેચાણ કરાયેલા કટ્ટાના નાણાં કોન્ટ્રાક્ટર દ્વારા મંડળીનાં બેન્ક ખાતામાં જમા ન કરાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ મામલે મંડળીના ચેરમેને કોન્ટ્રાકટર દ્વારા સાબરદાણના વેચાણમાં કરાયેલી ઉચાપત મામલે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરતા સહકારી જગતમાં ખળભળાટ મચ્યો હતો. બાયડ પોલીસે ચેરમેન રસિકભાઈ લલ્લુભાઇ પટેલની ફરિયાદને આધારે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.