મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ઉત્તર પ્રદેશથી ભૂતપૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના સહયોગીઓ દ્વારા વેપારીના અપહરણ અને તેને પરેશાન કરવાના કેસમાં સુપ્રિમ કોર્ટે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે.  સાથે જ ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી સુપ્રિમ કોર્ટની બેચે અતીક અહેમદને ઉત્તર પ્રદેશની જેલમાંથી ગુજરાતની જેલમાં મોકલવા આદેશ કર્યો છે. આ સાથે સુપ્રિમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને એવો પણ આદેશ કર્યો છે કે અતીક સામેના 102 ક્રિમિનલ કેસની વિગતો ચાર અઠવાડિયામાં કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવે.

ઉત્તર પ્રદેશની દેવરિયા જેલમાં બંધ ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદ પર આરોપ છે કે તેના ઇશારે સાગરીતોએ આલમબાગના રિયલ એસ્ટેટ વ્યાપારી મોહિત જયસ્વાલનું 26 ડિસેમ્બરે તેમની ગાડી સહિત ઘરેથી જ અપહરણ કરવામાં આવ્યું હતું.

આરોપ છે કે મોહિતને દેવરિયા જેલમાં લઇ જઇ બેરેકમાં માર મારવામાં આવ્યો અને લમણે પિસ્તોલ રાખી તેની પાંચ કંપનીઓનો માલિકી હક બે યુવકોના નામે ટ્રાંસફર કરી લેવામાં આવ્યો. ત્યાર બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડી પણ છીનવી લીધી. શુક્રવાર રાત્રે રિયલ એસ્ટેટ વ્યવસાયી મોહિતે કૃષ્ણાનગર પોલીસ સ્ટેશનમાં અતીફ અહેમદ અને તેના પુત્ર ઉમર સહિત 12 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી હતી.