મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોર્ટ કાર્યવાહીનું જીવંત પ્રસારણ ન્યાયના હિતમાં હોવાનું જણાવતા સુપ્રીમ કોર્ટમાં કેસોની જે કાર્યવાહી અને સુનાવણી થાય છે તે લોકો પણ જાઇ શકે તેવી વ્યવસ્થા કરવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારે જો સુપ્રીમ કોર્ટ આ બાબતે નીતિ વિષયક નિર્ણય લે તો જરૂરી વ્યવસ્થા કરવા તૈયારી દર્શાવી છે.

કોર્ટમાં ચાલતી કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની દાદ માંગતી એક પિટિશનની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કોર્ટમાં ચાલતી સુનાવણી અને કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટ નથી. સિનિયર એડવોકેટ ઇંદિરા જયસિંઘ દ્વારા આ પિટિશન કરવામાં આવી છે. આ પિટિશનમાં એવી દાદ માંગવામાં આવી છે કે, સુપ્રીમ કોર્ટમાં કેસોની જે કાર્યવાહી અને સુનાવણી થાય છે તે લોકો પણ જાઇ શકે તેવી વ્યવસ્થા કરવી જાઇએ.

કેન્દ્ર સરકારે તેના જવાબમાં કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટ આ બાબતે નીતિ વિષયક નિર્ણય લે તો સરકાર આ મામલે જરૂરી વ્યવસ્થા કરવા તૈયાર છે. જેવી રીતે રાજ્યસભા અને લોકસભામાં ચાલતી પ્રક્રિયા, ચર્ચાનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ થાય છે તેવી જ રીતે કોર્ટની કાર્યવાહીની જીવંત પ્રસારણ માટે એક અલગ ચેનલની વ્યવસ્થા ગોઠવી શકાય.

સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાએ જણાવ્યું છે કે, કોર્ટ કાર્યવાહીનું જીવંત પ્રસારણ ન્યાયના હિતમાં છે. પિટિશન કરનારને તેમના કેસમાં શું કાર્યવાહી થઇ તે જાણવાનો હકે છે અને આ બાબત કાનુની કાર્યવાહીમાં પારદર્શક્તા લાવશે. પિટિશનર એ પણ જાણી શકશે કે તેમના વકીલ તેમનો કેસ કેવી રીત રજુ કરે છે. જો કે, મુખ્ય ન્યાયમૂર્તિએ દુષ્કર્મ જેવા કેશો અને લગ્નસંબધી કેસો મામલે ચિંતા વ્યક્ત કરી હતી.

બીજુ કે, કોર્ટ કાર્યવાહીના જીવંત પ્રસારણથી વિદ્યાર્થીઓ ઘણુ શીખી શકશે.કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, પ્રાયોગિક ધોરણે મુખ્ય ન્યાયમૂર્તિની કોર્ટની કાર્ટવાહીથી જીવંત પ્રસારણની શરૂઆત કરી શકાય અને પછીથી અન્ય કોર્ટોને પણ તેમાં આવરી શકાય.

ઇંદિરા જયસિંઘે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં પિટિશન કરી હતી અને કોર્ટ કાર્યવાહીના જીવંત પ્રસારણની દાદ માંગી હતી. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે ન્યાયિક કાર્યવાહીમાં પારદર્શિતા લાવવાના ઈરાદે, પાછલા વર્ષે દરેક રાજ્યની નીચલી અદાલતો અને ન્યાયાધિકરણોમાં સીસીટીવી લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. અદાલતે આ નિર્દેશ કાયદાના વિદ્યાર્થી સ્વપનિલ ત્રિપાઠીની અરજી પર આપ્યો હતો.

આ અરજીમાં સર્વોચ્ચ અદાલત પરિસરમાંથી જ સીધું પ્રસારણ ખરી શકાય તેવો ઓરડો સ્થાપિત કરવા માટે અને કાયદાનું શિક્ષણ મેળવી રહેલા ઈન્ટર્નની એ સુધી ઉપલબ્ધ કરાય તેવો નિર્દેશ આપવાનો પણ અનુરોધ કર્યો હતો.