મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે ગુજરાતમાં તોફાનો દરમિયાન વર્ષ 2002માં થયેલા ગેંગરેપ મામલે પીડિત બિલકિસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર, સરકારી નોકરી અને ઘર આપવાનો આદેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટે પુરાવાનો નાશ કરવા માટે આઇપીએસ આર.એસ. ભગોરાને બે પદ ડિમોટ કરવાની ગુજરાત સરકારની ભલામણને માની લીધી છે. ભગોરા આગામી 31 મે નાં રોજ નિવૃત્ત થવાના છે.

કેસની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટૅને જણાવ્યુ હતું કે દોષિત પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ પગલા ભરવામાં આવ્યા છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પીઠે બિલકિસ બાનોની વધુ વળતરની માગણીની અપીલ કરી હતી. પીઠમાં ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના પણ સામેલ છે. બિલકિસ બાનોએ ગુજરાત સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા વળતર આપવા સંબંધી બાબતને સુપ્રિમ કોર્ટમાં પડકારી હતી. આ પહેલા ગુજરાત હાઇકોર્ટે  4 મે 2017ના રોજ આઇપીસીની કલમ 218 અને 201 હેઠળ પાંચ પોલીસકર્મીઓ અને બે ડોક્ટર્સને દોષિત ઠેરવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રણધીકપુર ગામમાં ટોળાએ 3 માર્ચ 2002નાં રોજ બિલકિસ બાનોનાં પરિવાર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન પાંચ મહિનાની ગર્ભવતી બિલકિસ બાનો સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના પરિવારાઅ છ સભ્યો ભીડના રોષનો ભોગ બનવાથી બચી નિકળી ગયા હતા.