પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અરવલ્લી જિલ્લાના સાયરા ગામે દલિત યુવતીના દુષ્કર્મ અને અપમૃત્યુ કેસમાં ગુજરાત સરકારે રચેલી એસઆઈટીને કેટલીક મહત્વની કડીઓ હાથ લાગી છે. જેના પગલે એસઆઈટી દ્વારા વધુ ત્રણ લોકોની શકમંદ તરીકે અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરના ગુપ્ત સ્થળે આ ત્રણેયની પુછપરછ ચાલી રહી છે. આગામી બે દિવસમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થશે.

અરવલ્લીના સાયરા ગામની દીકરી રહસ્યમય રીતે ગુમ થયા બાદ તેનો પરિવાર જ્યારે પોલીસ ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે પોલીસે ફરિયાદ નોંધવાને બદલે યુવતી પાછી આવશે તેવા આશ્વાસનો આપીને પરિવારને રવાના કરી દીધો હતો. આ ઘટનાના ત્રણ દિવસ બાદ યુવતીનો મૃતદેહ એક ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે અરવલ્લી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ અરવલ્લી પોલીસની ધીમી અને પક્ષપાતી કાર્યવાહીને મુદ્દે ખાસી નારાજગી હોવાને કારણે ગુજરાત સરકારે એસઆઈટીની રચના કરી હતી.

ડીઆઈજી ગૌતમ પરમારની રાહબારી હેઠળ રચાયેલી એસઆઈટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા યુવતીના મૃત્યુ પહેલા યુવતીની કસ્ટડી કોની પાસે હતી તે મુદ્દો અત્યંત મહત્વનો હતો. જે મામલે એસઆઈટીએ તપાસ કરતાં પકડાયેલા આરોપીઓ ઉપરાંત વધુ ત્રણ લોકોની શંકાસ્પદ ભૂમિકા એસઆઈટીના ધ્યાનમાં આવી હતી.

આ ત્રણેય શંકાસ્પદોએ ભોગ બનનારી યુવતીની કસ્ટડી પોતાની પાસે રાખી હોવાના પુરાવા એસઆઈટીને મળતાં એસઆઈટીની એક ટીમ દ્વારા તેમની અટકાયત કરી તેમને ગાંધીનગર ખાતે લઈ આવી છે. આ મામલે વધુ જાણકારી માટે ડીઆઈજી ગૌતમ પરમારનો સંપર્ક કરવા છતાં સંપર્ક થઈ શક્યો ન હતો.