મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસાના સાયરા (અમરાપુર) ૧૯ વર્ષીય યુવતીના અપહરણ, ગેંગ રેપ અને હત્યાના ચકચારી કેસની તપાસ ૧૯ જાન્યુઆરીથી સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની ટીમ કરી રહી છે. આ કેસનો મુખ્ય આરોપી બિમલ ભરતભાઈ ભરવાડ તપાસમાં સહકાર આપતો ન હોવાથી નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરવામાં આવતા કોર્ટે મુખ્ય આરોપી બિમલ ભરવાડના નાર્કોટેસ્ટની મંજૂરી આપ્યાના બીજા જ દિવસે સીઆઈડી ક્રાઈમે સનસનીખેજ ખુલાસો કરતાં પિડીત યુવતી સાથે સામુહિક દુષ્કર્મ, અપહરણ કે હત્યા અંગેના કોઈપણ પ્રકારના પુરાવા ન મળતાં દર્શન ભરવાડ અને જીગર પરમારને ક્લીનચીટ આપી હતી સીઆઈડી ક્રાઈમની ક્લીન ચિટના ૨૦ દિવસ પછી ડીસ્ટ્રીક કોર્ટે દર્શન ભરવાડ અને જીગર પરમારની “વર્ગ-સી” સમરી મંજુર કરવાનો હુકમ કરી બંનેને જેલ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કોરોના  વાયરસના કારણે દેશભરની અનેક જેલોમાં કેદીઓને છોડી મુકવાની કવાયત ચાલી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આવેલ સબજેલ માંથી ૭ વર્ષથી નીચેની કેદની સજા પામેલ ૭  કેદીઓને વચગાળાના જામીન આપી  મુક્ત કર્યા હતા ત્યારે સાયરા કેસમાં આરોપી ૧)દર્શન ભલાભાઈ ભરવાડ (રહે,મોલ્લી,પિપરાણા, માલપુર) અને ૨) જીગર સરદારસિંહ પરમાર (રહે,ગાજણ,મોડાસા) ને સીઆઈડી ક્રાઈમે ક્લીન ચિટ આપવામાં આવી હતી ત્યારે અરવલ્લી ડીસ્ટ્રીક કોર્ટે દર્શન ભરવાડ અને જીગર પરમાર જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી “વર્ગ-સી” સમરી મંજુર કરવાનો હુકમ મોડાસા સબજેલના જેલરને બંનેની બીજા કોઈ ગુન્હામાં કામે જરૂર  ન હોયતો તાત્કાલિક જેલ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવતા પરિવારજનોમાં આનંદ છવાયો હતો મોડાસા સબજેલના પ્રશાસને બંનેને જેલમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા હાથધરી હતી. 

શું હતો સમગ્ર મામલો

સાયરા (અમરાપુરા)ની યુવતી 31 ડિસેમ્બરના રોજ મોડાસા આવ્યા બાદ ગુમ થઇ ગઇ હતી. પરિવારે પુત્રીની શોધખોળ કર્યા બાદ તેનો કોઇ પત્તો ન લાગતા મોડાસા ટાઉન પોલીસમાં જાણ કરાઇ હતી. યુવતી ગુમ થયાને પાંચ દિવસનો સમયગાળો વિતવા છતાં તેની કોઇ ભાળ ન મળી ન હતી. ત્યારબાદ સાયરા ગામની સીમમાં આવેલા વડ ઉપર યુવતીની લાશ લટકતી હોવાની વાત વહેતી થતાં ગ્રામજનો અને આજુબાજુના ગામડાઓના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાર બાદ સાયરા (અમરાપુર)ની ગુમ થનાર યુવતી પરિવારજનો અને સગા સબંધી મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેને પગલે મોડાસા રૂરલ પોલીસ અને એલ.સી.બી. પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.