મેરાન્યૂઝ નેટવર્ક. અમરેલી : ખેડૂતોના દેશવ્યાપી ચાલતા આંદોલનના પડઘા આજે સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામમાં પડયા હતા. મહેશ ચોડવડીયાની આગેવાની હેઠળ બહોળી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ આંબરડીની બજારોમાં આવીને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા શાકભાજી અને દૂધ, છાશને જાહેર રસ્તાઓ પર મુકીને સરકાર વિરૂધ્ધ' સૂત્રોચ્ચાર કર્યા હતાં શાકભાજી અને ડેરી પ્રોડક્ટ રસ્તા પર ઢોળી ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમજ ખેડુત આંદોલનની અસર ગીરસોમનાથ જિલ્લામાં પણ જોવા મળી. કોડીનારના ગ્રામ્ય પંથકોએ દૂધ વહેંચવાનું બંધ કર્યું છે.

આગામી દિવસોમાં કઈ રીતે વિરોધ કરવો તેની રણનીતિ ઘડવા ગ્રામ્ય પંથકોમાં ખેડૂતોની બેઠકો શરૂ થઈ છે. કોડીનાર તાલુકાના દેવળી ગામમાં પણ આજે વહેલી સવારે ખેડૂતો અને ખેડૂત યુવાનોની બેઠક મળી હતી. તાલુકાના સરખડી ગામના ખેડૂતો-પશુપાલકો દ્વારા દૂધ અને શાકભાજીના પોષણક્ષમ ભાવો નહીં મળવા સામેના રાષ્ટ્રવ્યાપી ગામ બંધ એલાનમાં જોડાયા હતાં અને દૂધ-શાકભાજીને વેચાણમાં નહીં મૂકવાનો નિર્ણય કર્યો હતો.

કેટલાક ખેડૂતો-પશુપાલકોએ ઉગ્ર વિરોધ દર્શાવવા દૂધને રોડ પર ઢોળી નાખીને ભાવ વઘારાની માગણી કરી હતી. સાથો સાથ જો કોઈ ગામડા કે શહેરમાંથી દૂધના ટેન્કરો ભરી પસાર થશે તો તેને રોડ પર જ ઠાલવી નાખવા ખેડૂતોએ રણનીતિ બનાવી લીધી છે. આવતીકાલ સવારથી શાકભાજી વહેંચવાનું પણ બંધ કરવાનું તેમજ યાર્ડમાં શાકભાજીની હરરાજી અટકાવવવાનું એલાન કર્યું છે.