મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: રાજકોટમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. રોજના કોરોનોના કેસ અને મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં આવેલી મોટા ભાગની ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. આવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોવિડ સેન્ટર શરૂ કર્યા પછી હવે 400 બેડ સાથેની ઓક્સિજન હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે જેની હાલ તૈયારી પણ પુરજોશમાં ચાલી રહી છે. શહેરમાં ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ જતા ઓક્સીજનની જરૂરિયાતવાળા દર્દીઓની હાલત કફોડી બની છે. જેને પગલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કેમ્પસમાં જ ઓક્સિજન હોસ્પિટલ શરૂ કરવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. જેની મંજૂરી મળી ગયા પછી તેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકોને સારવાર સાથે એક સારું વાતાવરણ પણ મળી રહે તે માટે આ હોસ્પીટલમાં રમતગમતના સાધનો પણ રાખવામાં આવ્યા છે. અંદાજે ૧ સપ્તાહમાં આ હોસ્પિટલ તૈયાર થઇ જશે અને કોરોનાના દર્દીઓને અહીંયા સારવાર આપવામાં આવશે.