મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કે અત્યાચારનો અડ્ડો બની હોય તેમ અવારનવાર પ્રોફેસરના છાત્રાઓ સાથે દુર્વ્યવહારના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વધુ એક એવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રોફેસર વિદ્યાર્થીનીને કહેતો કે, હું કહું તેમ ન કરો તો ભોગવવું પડશે. એટલું જ નહીં પીડિતાએ આ અંગે 3 પાનાની લેખિત ફરિયાદ પણ કુલપતિને સોંપી છે. છતાં તંત્રએ આ બનાવને ગંભીરતાથી લેવાને બદલે માત્ર આંતરિક સમિતિને તપાસ સોંપીને વાતને દબાવી દેવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે.

વિદ્યાર્થીનીએ આપેલી ત્રણ પાનાની ફરિયાદનાં મુખ્ય અંશો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમપીએડ ભવનમાં પીએચડી કરતી એક વિદ્યાર્થિની દ્વારા પ્રો.વંકાણી સામે ફિઝિકલ હેરેસમેન્ટની લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં તેણીએ જણાવ્યું છે કે, હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શા.શિ. ભવનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની છું. મેં અહી માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, માસ્ટર ઓફ ફિલોસોફી ડિપ્લોમા ઇન યોગાનો અભ્યાસ કર્યો છે અને હાલ પીએચડી નો અભ્યાસ કરી રહી છું. હું ભવનમાં અભ્યાસ માટે દાખલ થઇ ત્યારથી લઇને અત્યાર સુધી પ્રો.વંકાણી સર દ્વારા શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને તેમના તાબે થવા માટે બધા જ પ્રયત્નો કર્યા છે. આ દરમિયાન મને અનહદ માનસિક અત્યાચાર આપવામાં આવતો હતો. જે ખૂબ અસહ્ય હતો. અમને બધી જ પ્રકારે શોષણ કરવા માટે પ્રો.વંકાણી સર અને તેમના મળતિયાઓ દ્વારા અત્યાચારમાં કાંઇ બાકી રાખવામાં આવ્યું નથી.

તેણીએ ઉમેર્યું કે, આ ભવનમાં પ્રો.વંકાણી સરને તાબે ન થનાર અન્ય વિદ્યાર્થિનીઓને (અરજીમાં નામ આપ્યા છે) કરિયર અને માર્કસમાં ખૂબ નુકસાન સહન કરવું પડ્યું છે. ડિપ્લોમા યોગના અભ્યાસ દરમિયાન મારા માર્કમાં ચેડાં કરવા માટે પ્રો.વંકાણી દ્વારા બધા પ્રયત્નો કરવામાં આવેલા હતા. તેમજ મને કહ્યું હતું કે, હું કહું તેમ ન કરે તો આ બધું ભોગવવું જ પડે. ત્યારે મારા સહિત ભવનની અન્ય વિદ્યાર્થિનીઓને પ્રો. વિક્રમના શારીરિક શોષણથી બચાવવા અને અમારૂ રક્ષણ કરવા માટે મારી વિનંતી છે.

પ્રોફેસર ડો. વંકાણીએ આરોપોને ફગાવી દીધા

જો કે પ્રોફેસર ડો.વિક્રમ વંકાણીએ ઉપરોક્ત તમામ આરોપોને ફગાવી દીધા છે અને જણાવ્યું કે, ફરિયાદી વિદ્યાર્થિનીએ 2013-14માં એડમિશન લીધું હતું અને મેં 18-10-2014 માં ભવન છોડી દીધા બાદ 2016 માં રીજોઇન કર્યું હતું. માટે મારે તેની સાથે કોઇ સંપર્ક પણ નથી. આ આક્ષેપો ખોટા અને પાયવિહોણા છે. આંતરિક ફરિયાદ સમિતિને તપાસ સોંપાઈ છે : કુલપતિ કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું છે કે, સિન્ડિકેટની મિટિંગ પહેલા આ વિદ્યાર્થિની મળવા આવી હતી. જે 3 વર્ષ પહેલા અભ્યાસ કરતી હતી અને રજૂઆત વખતે ગળગળી થઇ ગઇ હતી. પ્રકરણની તપાસ આંતરિક ફરિયાદ સમિતિને સોંપાઇ છે. જો કે તેમાં ફિઝિકલ હેરેસમેન્ટની કોઇ વાતનો ઉલ્લેખ હોવાનું મારા ધ્યાનમાં નથી.