મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સૌરાષ્ટ્રમાં સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. ત્યારે જ ફરી ખેડૂતોને લાંબી કતારોમાં ઊભું રહેવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા ટેકાના ભાવ પ્રતિ મણ 1 હજાર રૂપિયે મગફળી ખરીદી રહી છે. ત્યારે સરકારે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું. ધરતીપુત્રો સવારે 5 વાગ્યાથી લાઇનમાં યાર્ડે ઊભા રહી ગયા હતાં. હજારો ખેડૂતોની હજુ નોંધણી થઇ શકી નથી ત્યારે જે ખેડૂતોએ નોંધણી કરાવી નથી. તેઓ આર્થિક તંગીની ખેચમાં આવી ગયા છે. તેમજ શિયાળુ પાક વાવણીની ચિંતા પણ છે. નવું વાવેતર કરવા રૂપિયાની તાતી જરૂર હોવાના કારણે મોટાભાગના ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે. બીજીતરફ આકારા સરકારી નિયમોને કારણે પોતાની મગફળી રિજેક્ટ થવાની શક્યતાએ પણ ખેડૂતો નીચભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે.

સરકાર દ્વારા કવોલિટીવાળી મગફળી ખરીદવામાં આવી રહી છે. આ વર્ષે ઓછા વરસાદથી અમુક વિસ્તારોમાં મગફળીના પાકમાં રોગ આવ્યો હતો. જેથી ઉચ્ચ ગુણવતાવાળી મગફળીનું ઉત્પાદન થયું નથી. જો ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા જાય માલ રીજેક્ટ કરવામાં આવે તો વાહનભથ્થું પણ માથે પડવાની શક્યતા છે. આ કારણે પણ ખેડૂતો મુંઝવણમાં મૂકાયા છે. શિયાળુ પાકનાં વાવેતર માટે નાણાની જરૂરિયાત સિંચાઇનું નહીવત પાણી ના લીધે ખેડૂતોએ ધાણા, ચણા, મઠ પાકોનું વાવેતર શરૂ કર્યું છે. જેમાં ખાતર, દવા, બિયારણ માટે નાણાંની જરૂરિયાત ઊભી થઇ શકે છે. જો ટેકાના ભાવે મગફળી વેચશે તો કયારે નાણાં આવે તે નક્કી હોતું નથી.

ખેડૂતોએ જણાવ્યું હતું કે મગફળી વેચવા લાઇનમાં ઊભું રહેવાનું ત્યાર બાદ મગફળીનાં વેચાણ બાદ એક સાથે ખેડૂતોના નાણાં તેમના બેંક એકાઉન્ટમાં જમા થતાં હોય છે. જેથી નાણાં લેવા માટે એક સાથે ખેડૂતો બેંક પર પહોંચી જતાં હોય છે અને ધસારો થવાથી લાંબો સમય કતારોમાં ઊભું રહેવું પડે છે. તેમાં પણ સરકારના નવા નિયમોને કારણે પોતાનો માલ રિજેક્ટ થવાનો ડર સતત સતાવી રહ્યો છે. સરકારી ખરીદીમાં મળતીયાઓનો જ વારો આવતો હોય છે. તેવામાં સરકારના ભરોસે રહેવાને બદલે ખેડૂતો ઓછા ભાવે ખુલ્લા બજારમાં માલ વેંચવા લાગ્યા છે.