મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ હાલમાં એક બાજુ લોકો માટે આકાશી આફત બની તૌક્તે વાવાઝોડું ઊભું છે જે બે જ દિવસમાં ગુજરાતમાં પ્રવેશ કરવાનું છે ત્યાં સૌરાષ્ટ્રમાં રાત્રે લગભગ 3.30 વાગ્યાના સુમારે ભૂકંપના આંચકા લોકોને ભયભીત કરી ગયા હતા. દીવ સહીત, અમરેલી, જુનાગઢ, વેરાવળ, ઊના, ગીર સોમનાથ, સહિતના વિસ્તારોએ આ ભૂકંપની અનુભૂતિ કરી છે. આ ભૂકંપની રિક્ટર સ્ટેલ મુજબ તિવ્રતા 4.8 હતી. 

ઉપરાંત અમરેલીના રાજુલા, જાફરાબાદમાં પણ લોકોએ ભૂકંપ અનુભવ્યો હતો. એક તરફ લોકો માથે આકાશી આફત છે તો બીજી બાજુ જમીની આફતે એક તબક્કે જીવ અદ્ધર કરી દીધા હતા. કારણ કે આ એ જ જગ્યાઓ છે જ્યાં તૌક્તે વાવાઝોડું પસાર થવાનું છે. વાવાઝોડાની ઝડપ વધતા તે હવે ગુજરાતમાં લગભગ 170 કિલોમીટર પ્રતિકલાકથી વધુની ઝડપે ફૂંકાતા પવન સાથે ગુજરાતમાં એન્ટ્રી કરશે. અત્યાર સુધી તો ઘણા વાવાઝોડાઓ ગુજરાતમાં પ્રવેશતાં પહેલા ફંટાયા કે પૂર્ણ થયા હતા પરંતુ આ વખતે આ વાવાઝોડું ટકરાશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે. ઓછામાં ઓછી તારાજી થાય અને લોકોને ઓછામાં ઓછી પરેશાની થાય તે હાલ સરકારની પ્રાથમિકતા છે. ગત રોજ જ અરવલ્લી, અમદાવાદ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ કે હળવો વરસાદ તો રહ્યો જ હતો. હવે આવતીકાલે 17મીએ આ વાવાઝોડું ગુજરાતના દરવાજે હશે અને 18મીએ ગુજરાતમાં પ્રવેશ કરવાનું છે.