પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સુરતના પુર્વ પોલીસ કમિશનર સતીષ શર્મા નિવૃત્ત થયા બાદ સુરતના પોલીસ કમિશનર તરીકે નિયુકત આર બી બ્રહ્મભટ્ટ ચાર મહિના સુધી ગેસ્ટ હાઉસમાં રહેવુ પડયુ હતું કારણ અનેક વિનંતીઓ પછી પણ સતીષ શર્મા સરકારી બંગલો ખાલી કરતા ન્હોતા આખરે કંટાળેલા પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટ સરકારી બંગલામાં જઈ અડીંગો જમાવતા સતીષ શર્માએ બંગલો ખાલી કરી હતો જો કે આવી જ ઘટના અગાઉ વડોદરામાં પણ બની હતી, વડોદરામાંથી બદલી થયા બાદ તેમણે વડોદરાનો સરકારી બંગલો પણ મહિનાઓ સુધી ખાલી કર્યો ન્હોતો, જે અંગે નવા આવેલા પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણનની ફરિયાદ બાદ વડોદરા કલેકટરના તાબામાં રહેલા પ્રાંત અધિકારીએ નોટીસ આપી બંગલો ખાલી કરાવ્યો હતો.

સતીષ શર્માએ સુરતનો સરકારી બંગલો ખાલી કરવામાં કરેલા વિલંબ અંગે અમે સ્ટોરી પ્રસિધ્ધ કર્યા બાદ સતીષ શર્મા દ્રારા અમને બદનક્ષીનો કેસ કરશે તેવી ધમકી આપી હતી જો કે તે  સ્ટોરીમાં અમે કોઈ બદનક્ષીયુકત બાબત લખી ન્હોતી જે વાસ્વીકતા હતી તે રજુ કરી હતી જો કે ત્યાર પછી અમારી સામે જે પુરાવા આવ્યા તેમાં સતીષ શર્માએ વડોદરા પોલીસ કમિશનર તરીકેનો બંગલો ખાલી કરવા માટે પણ આ પ્રકારનું ત્રાગુ કર્યુ હતું તેના પુરાવા મળ્યા છે. વડોદરા પોલીસ કમિશનર તરીકે તેમને ત્રણ વર્ષ પુરા થતાં સરકારે તેમની બદલી જીઈબીમાં કરી હતી, આથી તેમણે જીઈબીનો મળવા પાત્ર બંગલો લઈ લીધો પરંતુ વડોદરા પોલીસ કમિશનરનો બંગલો પોતાની પાસા રાખ્યો હતો.

વડોદરામાં આવેલા નવા પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણન જયારે પોતાના બંગલા માટે ગયા ત્યારે સતીષ શર્માએ બંગલો ખાલી કરી આપશે તેવુ હૈયાધારણ આપી હતી પરંતુ ત્રણ મહિના થતાં છતાં બંગલો ખાલી કર્યો ન્હોતો જેના કારણે રાધાકૃષ્ણન સરકીટ હાઉસમાં રહેતા હતા. આ મામલો જયારે વડોડરાના તત્કાલીન કલેકટર વિનોદ રાવ પાસે પહોંચ્યો ત્યારે તેઓ સતીષ શર્માની પદની ગરીમા જાળવવા માટે બે વખત રૂબરૂ તેમના બંગલે ગયા હતા અને બંગલો કરી આપવાની વિનંતી કરી હતી જો કે આમ  છતાં બંગલો ખાલી નહીં થતાં વડોદરાના પ્રાંત અધિકારીએ નોટીસ ફટકારી બંગલો ખાલી કરાવ્યો હતો. આ અંગે વડોદરાના સ્થાનિક અખબારમાં સમાચાર પણ પ્રસિધ્ધ થયા હતા જો કે ત્યારે સતીષ શર્માને પોતાની બદનક્ષી થઈ હોય તેવુ લાગ્યુ ન્હોતુ.