મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ બાયડ તાલુકાના સાઠંબા ગામની નવી વસાહતમાં ધમધમતા ગેરકાયદેસર કતલખાનામાં ગૌ હત્યા કરી ગૌ માંસ વેચાણ થતું હોવાની બૂમો ઉઠતા જાગૃત યુવાનોએ જનતારેડ કરી તો કસાઈઓ નાસી છૂટ્યા હતા. ગાયની કરપીણ હત્યા કરી ગૌમાંસ વેચાતું હોવાનો પર્દાફાશ થતા નાયબ પોલીસ અધિક્ષક સહીત જીલ્લાની પોલીસ સાઠંબા ગામે પહોંચી હતી અને પશુચિકીત્સક અને એફએસએલની ટીમને તાબડતોડ સાઠંબા બોલાવી ગેરકાયદેસર કતલખાનામાંથી મળેલા માંસ અને મૃતદેહના અવશેષો ગાયના છે કે નહીં તે જાણવા પરીક્ષણ હાથધરવામાં આવ્યું હતું. જેમાં ગાયનું માંસ હોવાની પુરવાર થતા સાઠંબા પોલીસે ૮ શખ્શો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી એક આરોપીને દબોચી લઈ અન્ય ફરાર ૭ આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથધરી હતી.

શનિવારે સાઠંબા ગામની નવી વસાહતમાં ગેરકાયદેસર કતલખાનામાં કેસાઈઓની હિમ્મત વધતા છેલ્લા કેટલાક સમયથી પશુઓની સાથે ગૌ હત્યા કરી ખુલ્લેઆમ ગૌ માંસ વેચાણ શરુ થતા જનતારેડમાં ગૌવંશના અવશેષો અને માંસ મળી આવતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા અને ભારે રોષ સાથે મામલો ગરમાયો હતો ડીવાયએસપી, ત્રણ પીઆઈ અને ત્રણ પીએસઆઈ સહીત મોટી સંખ્યામાં પોલીસકાફલો ખડકી દઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગૌ હત્યા ના પગલે સાઠંબા પંથકમાં રવિવારે સ્વયંભૂ સજ્જડ બંધ રાખી રેલી યોજી કસાઈઓ સામે શખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે સ્થાનિક પોલીસતંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

સાઠંબા ગામની નવી વસાહતમાં ગેરકાયદેસર કતલખાનામાંથી ગાયના હત્યા કરાયેલા અવશેષો અને ગૌમાંસ મળી આવતા પોલીસતંત્ર ઉંધામાથે પટકાયું હતું અને લોકોનો રોષ ઠારવા તાબડતોડ ૧) ઇલ્મુમિયા અહેમદમિયાં શેખ, ૨)મુન્ના સુલ્તાનભાઈ શેખ , ૩) સલીમ ઇલ્મુમિયા શેખ , ૪) દોસુમિયાં સુલતાનમીયા શેખ , ૫) જાકીર શેખ , ૬) રફીક શેખ , ૭) ઝહીર અયુબ શેખ અને અન્ય એક શખ્સ વિરુદ્ધ સંજયસિંહ પર્વતસિંહ સોલંકીની ફરિયાદના આધારે ઇપીકો કલમ-૪૨૯ તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમન-૨૦૧૧ કલમ અને પશુ પ્રત્યે ઘાતકી પણાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ડીવાયએસપી ગઢવીએ સાઠંબા ગામની નવી વસાહતમાં ગાયની હત્યા અંગે જણાવ્યું હતું કે, ગામના ૮ શખ્શો સામે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા કામગીરી હાથધરવામાં આવી છે અને મુન્ના સુલતાન શેખ નામના આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ અન્ય ફરાર ૭ આરોપીઓને પણ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે હોવાનું જણાવ્યું હતું.