મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: મુખ્યમંત્રી કાર્યલયે રજૂઆત કરવા આવેલા સરપંચને ૩ કલાક બેસાડી રાખી માત્ર ‘VIP’ લોકોને જ મળતા મુખ્યમંત્રીથી નારાજ થયેલા સરપંચે એક ફેસબુક વીડિયો લાઈવ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે હું જયારે મુખ્યમંત્રી રજૂઆત કરવા જાઉં છું ત્યારે નજરકેદ કરી લેવામાં આવે છે અને અહી આવ્યો છું તો બેસાડી રાખ્યો છે અને માત્ર VIP લોકોને જ મળવા દે છે.

ખેડા જીલ્લાના લવાલ ગ્રામ પંચાયતના સરપંચ મંગળવારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ મુખ્યમંત્રી કાર્યલયે આવી પહોંચ્યા હતા અને પોતાને ખેડા જીલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા થયેલા અન્યાય અને માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા આપવામાં આવેલ ધમકી વિષે આવેદનપત્ર આપી ન્યાય માંગવા આવ્યા હતા.

લાઇવ વીડિયોમાં સરપંચે જણાવ્યું હતું કે, "અત્યારે હું મુખ્યમંત્રીના કાર્યાલયમાં છું. છેલ્લા 1 કલાક થી CM સાહેબને મળવાની રાહ જોઈ રહ્યો છું હું એકલો નહીં પરંતુ મારા જેવા બીજા 200 માણસો છે અહિયાં, પરંતુ એન્ટ્રી મળી રહી છે માત્ર VIP અને BJPના ખાસ લોકો ને. શું નાગરિક મુખ્યમંત્રીને ના મળી શકે?"

જ્યારે સરપંચે વીડિયો લાઇવ કર્યો ત્યારે વેઇટ કરતાં લોકોએ પણ સરપંચની વાત સાથે સહમતી આપી હતી અને એ સમયે સિક્યુરીટીના લોકોને સરપંચ સાથે રકજક કરી ત્યારે સિક્યુરીટીના લોકોએ કહ્યું કે, આજે ન મળાય, સાહેબને એક જ કામ ન હોય, MLAને જોડે લઈને આવો.

મુખ્યમંત્રીએ રૂબરૂ આવેદનપત્ર ન સ્વીકારતા અને મળવાનો સમય ન આપતા સરપંચે વિરોધ પક્ષના નેતાના કાર્યાલયે જઈને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી.