મેરાન્યૂઝ નેટવર્ક,અમદાવાદ : મહાત્મા ગાંધી સ્થાપિત નવજીવન સંસ્થાની શતાબ્દી અને ગાંધીજીની સાર્ધ શતાબ્દીના શુભ અવસરે નવજીવન દ્વારા બે દિવસીય 'સરદાર કથા'નું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર કથા 16-11-19ને શનિવાર તા. 17-11-19ને રવિવારે એમ બે દિવસ સાંજના 4.00થી 7.00 દરમિયાન આશ્રમ માર્ગ - ગૂજરાત વિદ્યાપીઠ પાછળ, નવજીવન પ્રેસ સંકુલમાં જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલમાં યોજાશે. કથા કોઈ પણ ઔપચારિક વિધી વિના ચાર વાગ્યે સમયસર આરંભાશે.

વરિષ્ઠ પત્રકાર કટારલેખક ને રાજકીય વિશ્લેષક મણિલાલ એમ. પટેલ બે દિવસ કથામાં વક્તવ્ય આપશે. તેઓ 2013થી વિવિધ સ્થળે 'સરદાર કથા' કરી ચૂક્યા છે, જેમાં સરદાર પટેલનાં જીવનકાર્ય ઉપરાંત સરદાર વિશે પ્રવર્તતી ગેરસમજો અંગે પણ છણાવટ કરતા હોય છે. સરદાર કોઈ જ્ઞાતિ કે પક્ષના નહીં પણ દેશના નેતા હતા અને નવજીવન, ગાંધીજી અને સરદાર વચ્ચે અતૂટ નાતો હતો. કથા દેશના અન્ય કોઈ મહાન નેતાઓને વગોવવા કે વખોડવા માટે નહીં પણ સરદારના જીવનકાર્યને ઉજાગર કરવા માટે છે.