મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા:  પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે. ખાખી વરદી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે એવા અનેક અનુભવ જરૂરિયાતમંદ વાળા લોકોએ અનુભવ્યા છે. લોકડાઉનમાં કડક અમલવારી સાથે અરવલ્લી જીલ્લામાં ખાખી ને સલામ કરવાનું કામ થાય તેમ રસ્તે રઝળતા લોકો,માનસિક રીતે બીમાર કે બેઘર લોકો અને જરૂરિયાતમંદ પરિવારો માટે સંવેદના જોવા મળી હતી. મેઘરજ તાલુકાના રામગઢી નજીક આવેલા સારંગપુર ગામે પરિવાર સાથે રહેતી બીમાર મહિલાને પરિવારજનો મારઝૂડ કરતા અને ઘરેથી કાઢી મુકતા બીમાર મહિલા મેઘરજ પોલીસ સ્ટેશને શરણ લેતા મેઘરજ પોલીસે બીમાર મહિલાને સરકારી દવાખાને સારવાર કરાવી માનવતા મહેકાવી હતી. 

મેઘરજ તાલુકાના રામગઢી નજીક આવેલી સારંગપુર ગામની ઘરકામ કરતી મહિલાને તેના પતિ સહીત પુત્ર-પુત્રી અને સાસુ વારંવાર હેરાન-પરેશાન કરતા હોવાની સાથે મારઝૂડ કરી માનસિક ત્રાસ આપવા છતાં મહિલા અગમ્ય કારણોસર સહન કરતા હતા. મહિલા બીમાર થતા તેના પરિવારજનોએ સારવાર કરાવવાના બદલે તું ખરાબ છે કહી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મુકતા બીમાર મહિલા નિઃસહાય હાલતમાં મુકાઈ હતી. પરિવારજનોના અસહ્ય બનેલા ત્રાસને પગલે મેઘરજ પોલીસ સ્ટેશને અરજી આપવા પહોંચતા પોલીસ સ્ટેશન બહાર પગથિયાં પર બેસી રહેલી મહિલાની પોલીસે પૂછપરછ કરતા મહિલાએ બીમાર હોવાની સાથે તેની આપવીતી જણાવતા મેઘરજ પોલીસે મહિલાની અરજી લઈ સાંત્વના આપી મહિલાને સારવાર કરાવવા સરકારી દવાખાને ખસેડી હતી સારવાર કરાવી હતી.