મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કામ કરાવવા માટે આમ જનતા પાસેથી લાંચ માંગી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ રંગીલા રાજકોટમાં તો એક સરકારી કર્મચારીએ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી પાસેથી 6 હજાર રૂપિયાની લાંચ લીધી અને ACBએ તેમને ઝડપી લીધા હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ મહાનગરપાલિકાની હુડકો વોર્ડ નંબર ૧૬/ક ની ઓફિસમાં ફરજ બજાવતા કાયમી સ્વીપરને ઓન ડ્યુટી ગણવાની અવેજમાં સેનેટરી ઇન્સપેક્ટર (વર્ગ-૩) મૃગેશભાઇ આબાદસિંહ વસાવા (ઉંમર વર્ષ ૪૮) રહે. બ્લોક-નંબર ૩૩૫, બજરંગવાડી રાજીવનગર, જામનગર રોડ, રાજકોટ એ સાત હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે છ હજાર રૂપિયા આપવાનું નક્કી થયુ હતું. જો કે સ્વીપર લાંચ આપવા માંગતા ન હોવાથી રાજકોટ એસીબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી.

જેના આધારે આજે છટકું ગોઠવી સેનેટરી ઇન્સપેક્ટર મૃગેશભાઇ આબાદસિંહ વસાવાને છ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા હતાં. આ મામલે ટ્રેપિંગ અધિકારી તરીકે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા અને સુપરવિઝન અધિકારી તરીકે  એસીબી, રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક એમ.બી. જાનીએ કામગીરી બજાવી હતી.