મેરાન્યૂઝ નેટવર્ક, હૈદરાબાદ: ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આજે મંગળવારે એક પુત્રને જન્મ આપ્યો છે. સાનિયાના પતિ શોએબ મલિકે ટ્વિટ કરીને પોતાના ચાહકોને આ ખુશ ખબર આપ્યા છે. ટ્વિટ પર ફેન્સ શુભેચ્છાઓ આપી રહ્યા છે અને શોએબે પણ તેમનો આભાર માન્યો છે.

શોએબ મલિકે ટ્વિટ કર્યું કે ‘એ જણાવતા ખૂબ ઉત્સાહિત છું: પુત્રનો જન્મ થયો છે અને મારી ગર્લ (સાનિયા) સ્વસ્થ છે અને હંમેશાની જેમ મજબૂત છે. તમારી દુવાઓ અને શુભેચ્છાઓ માટે આભાર. શોએબ મલિકે ટ્વિટ સાથે હેશટેગ #BanyMirzaMalik નો પણ ઉપયોગ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના વર્ષ 2010માં લગ્ન થયા હતા અને આ તેમનું પ્રથમ સંતાન છે. પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવાના કારણે ઘણી વખત સાનિયા મિર્ઝાને વિરોધનો સામનો કરવો પડ્યો પરંતુ દરેક સ્થિતિમાં તે અડગ રહી. સગર્ભા થયા બાદ એક ઇન્ટરવ્યુમાં સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે તેમના બાળકના નામ સાથે મિર્ઝા અને મલિક એમ બંને અટક જોડાયેલી રહેશે.