મેરાન્યૂઝ નેટવર્ક.સાણંદ: સાણંદમાં નળસરોવર અભ્યારણ્યના રસ્તાનો વિકાસ થવા જઈ રહ્યો છે, પણ આ વિકાસની કિંમત રસ્તા પર રહેલા વર્ષો જુના વૃક્ષો અને તેના પર નભતા ઘણા જીવોને ચુકવવાની થઈ છે. તેને લઈને સાણંદના કેટલાક પર્યાવરણ પ્રેમી નાગરિકો આ વૃક્ષો ન કપાય તે અંગે સાણંદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. સાણંદના લોકોએ વૃક્ષો ન કાપવા પડે તે માટે પ્રાંત અધિકારીને કેટલાક સૂચનો પણ આપ્યા હતા. સાણંદના 20 જેટલા લોકો ભેગા થઈને પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન પત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપવા માટે સાધના ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગૌરવ ઠક્કર, સાણંદના એક શિક્ષક સુરેશ ત્રિવેદી, સાણંદના એક સમાજ સેવક ગૌતમભાઈ રાવલ અને સાથે અન્ય કેટલાક યુવાનો આ મુહિમમાં જોડાયા હતા.

સાણંદના પ્રાંત અધિકારીએ સાણંદના પર્યાવરણ પ્રેમીઓને જણાવ્યું હતું કે કેન્દ્ર કક્ષાએથી આ નિર્ણય અને મંજૂરી આપવામાં આવી છે જેના કારણે મારાથી આમાં કંઈ થાય તેમ નથી. તેમ છતાં હું તમારી રજૂઆત સરકારમાં આગળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. પ્રાથમિક જાણકારી મુજબ ભોપાલ સ્થિત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વૃક્ષ કાપવાની મંજૂરી આપવામાં આવી છે જેના કારણે સ્થાનિક લેવલ પરથી કોઈ પણ પગલાં લેવા શક્ય નથી.

Advertisement


 

 

 

 

 

સાધના ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગૌરવ ઠક્કરે જણાવ્યું હતું કે, " સાણંદમાં નળસરોવર રોડ હરિયાળા રોડ તરીકે ઓળખાય છે. આ રોડ પર રહેલા વૃક્ષો આ રોડની સુંદરતા વધારે છે. તેની સાથે સાથે આ વૃક્ષો અસંખ્ય પક્ષીઓ અને જીવ જંતુઓ માટે આશરો છે. હવે આ બિનજરૂરી વિકાસ માટે આ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. નળસરોવર અભયારણ્યની વિશેષતા માત્ર સરોવર નથી તેની આસપાસ રહેલી પ્રકૃતિ પણ તેની સુંદરતામાં વધારો કરે છે. જો વિકાસના નામે આ પ્રકૃતિને નષ્ટ કરવામાં આવે તો નળ સરોવરમાં આવતા યાયાવર પક્ષીઓની સંખ્યા ધીમે ધીમે ઘટી જશે અને નળસરોવર એક પક્ષી અભયારણ્ય મટીને માત્ર એક પર્યટન સ્થળ બનીને રહી જશે."

એક નાગરિક તરીકે વિકાસ થાય તેનો કોઈ વિરોધ ન હોઈ શકે પરંતુ આ વિકાસ કોના ભોગે થઈ રહ્યો છે તે આપણે જોવું જોઈએ. ઇતિહાસમાં આપણે જોયું છે કે જ્યાં જ્યાં મનુષ્યોએ વિકાસના નામે પર્યાવરણને નુકસાન કર્યું છે ત્યાં ત્યાં ક્રમશઃ પ્રાકૃતિક સુંદરતા ઘટી છે અને પેશીઓ અને પ્રાણીઓ ત્યાં આવતા અટકી ગયા છે. દેશ વિકાસ કરે તેના સામે કોઈ પ્રશ્ન નથી પણ આ વિકાસ પર્યાવરણને નુકશાન કરીને ન થવો જોઈએ.

Advertisement