મેરાન્યૂઝ નેટવર્ક.દમણઃ દમણના ભાજપના નેતાની હત્યા થઈ ગઈ છે. સોમવારે તેમની પાસે છ શખ્સો આવ્યા હતા જેમણે તેમને છાતીના ભાગમાં ગોળીઓ ધરબી દઈ હત્યા કરી દીધી હતી. ત્રણ બાઈક પર આવેલા છ શખ્સોએ તેમના પર ગોળી ચલાવી હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે પોલીસે તેમની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર સોમવારે દમણ નગરપાલિકાના ભાજપના કાઉન્સીલર સલીમ મેમણ ખારીવાડ ખાતેના રોયલ સુઝુકીના શો-રુમમાં બેઠા હતા. આ દરમિયાન ત્રણ બાઈક પર છ શખ્સો ત્યાં આવી ચઢ્યા હતા. શખ્સોએ ધડાધડ તેમની છાતી અને પેટના ભાગે ગોળીઓ ચલાવી. 4 ગોળીઓ મારીને શખ્સો ત્યાંથી તુરંત ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

ભાજપના કાઉન્સીલર પર હુમલાની વિગતો મળતાં પોલીસ પણ તુરંત દોડતી થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળ પર આવીને વધુ તપાસ હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત સલીમ મેમણને તુરંત સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડાયા હતા પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબે તપાસ કરતાં તેઓ મૃત હોવાનું માલુમ પડ્યું હતું. તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે તેમની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અને સ્થળ પરથી ફૂટેલા કારતૂસ જપ્ત કર્યા હતા. પોલીસે આ શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સલીમ મેમણ સામે પણ ધાકધમકી આપવી, લૂંટ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.