મેરાન્યૂઝ નેટવર્ક.સીતાપુરઃ પોતાના વિવાદીત નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારા ભાજપના સાંસદ સાક્ષી મહારાજે બુધવારે રેપના આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની મુલાકાત લીધી હતી. સેંગર હાલના દિવસોમાં સીતાપુરની જેલમાં બંધ છે. મુલાકાત અંગે પુછતાં સાક્ષી મહારાજે કહ્યું કે તે સેંગરનો આભાર માનવા અહીં આવ્યા હતા.

તેમણે કહ્યું કે, તે અહીં લાંબા સમયથી બંધ છે. હું તેમને મળીને ચૂંટણીમાં જીત બાદ આભાર વ્યક્ત કરવા આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કુલદીપ સિંહ સેંગર પોતાના સહયોગીઓ સાથે મળીને ઉન્નાવની એક દીકરી સાથે ગેંગરેપ કરવાનો આરોપ છે. ગત વર્ષે રેપ પીડિતા અને તેમના પરિવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આવાસ બહાર આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો જે પછી આ મામલો ભડક્યો હતો. નાબાલીક દીકરીનો આરોપ હતો કે ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે ગત વર્ષે જૂનમાં બળાત્કાર કર્યો હતો. આ ઘટનાના થોડા દિવસ બાદ બાળકીના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું હતું જે પછી પ્રદેશ સરકાર પર ચારે તરફથી દબાણ પડ્યું અને ધારાસભ્યને આખરે જેલ પાછળ ધકેલવો પડ્યો હતો.

ગત વર્ષ 11 જુલાઈએ સીબીઆઈએ આ દીકરીના મામલામાં સેંગર સામે આરોપ પત્ર દાખલ કર્યું હતું. સીબીઆઈએ સેંગર અને તેની સહયોગી શશિને આરોપી બનાવી હતી. 4 જૂન 2017ની આ ઘટનામાં ધારાસભ્ય સેંગર પર આરોપ છે કે તેણે નાબાલિક પીડિતાના સાથે પોતાના આવાસ પર દુષ્કર્મ કર્યું. પીડિતાને ત્યાં શશિ લઈને ગઈ હતી.

14 એપ્રિલ 2018એ સીબીઆઈએ આ કેસમાં ભાજપીય ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની ધરપકડ કરી હતી અને સળિયા પાછળ ધકેલ્યો હતો. તેના આગામી જ દિવસે શશિ સિંહને પણ પકડીને જેલ ભેગી કરી દેવાઈ હતી. બાદમાં પીડિયાની અરજી પર સેંગરને ઉન્નાવથી સીતાપુર જેલ શિફ્ટ કરી દેવાયો હતો.