મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ભાજપના નેતાઓ અને પ્રજાના પ્રતિનિધિઓ સત્તાના નશામાં ભાન ભૂલ્યા હોવાની અનેક ઘટનાઓ બની રહી છે. સત્તાના મદમાં મદમસ્ત બનેલા કેટલાક નેતાઓ કાયદો હાથમાં લેતા પણ ખચકાતા નથી અને સત્તાના જોરે એનકેન પ્રકારના દબાણો લાવી પોલીસતંત્રમાં પણ ખોટી ફરિયાદ નોંધાવતા ખચકાટ અનુભવતા નથી.

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના માથાસુલીયા ગામ નજીક આવેલ અણદાપુર ગામે સાકરીયા તાલુકા પંચાયતના સદસ્યએ ગામના જમાઈને પરણેતર સંબંધોને લઈને દોરડાથી બાંધી ઢોર માર મારી ચપ્પુ બતાવી ડરાવવાનો અને ધમકાવતો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી છે જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો.

અણદાપુર ગામમાં લગ્ન કરનાર અને સુરતમાં રહેતા યુવકને સાસરી પક્ષમાં જ કે આજુબાજુના વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રણયફાગ ખેલવો ભારે પડ્યો હતો. પરણિત યુવકનું પ્રેમપ્રકરણ સાસરી પક્ષ વાળાને ખબર પડતા યુવક સાસરીમાં આવતા સાસરીવાળા અને ગામલોકોએ યુવકને રસ્સીથી બાંધી ઢોર માર માર્યો હતો. આ સમયે તાલુકા પંચાયત સદસ્ય કાંતિભાઈ હીરાભાઈ કટારા પણ અણદાપુર પહોંચી યુવકને ચપ્પા વડે ધમકાવતા હોવાનો અને યુવકને દમ મારતા આજુબાજુમાં ઉભેલા લોકો પણ સમગ્ર ઘટનાની માજા લેવાની સાથે જુદા-જુદા મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરતા નજરે પડી રહ્યા છે.

સાકરીયા તાલુકા પંચાયત સીટના ભાજપના સદસ્ય કાંતિભાઈ હીરાભાઈ કટારાએ પોલીસને જાણ કરવાના બદલે જાતે કાયદો હાથમાં લેતા તાલુકા પંચાયત સદસ્યના કરતૂતનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા તાલુકા પંચાયત સદસ્યની દબંગાઈ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ વીડિયો અહીં દર્શાવાયો છે પરંતુ તેમાં અપશબ્દો અત્યંત હોવાથી તેનો અવાજ બદલી નાખવામાં આવ્યો છે.