રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ઉનાળાના દિવસોમાં મિલકત સંબંધી ગુનાઓનું પ્રમાણ વધે છે. ચોરી / વાહનચોરી / નઝર ચૂકવીને લઈ લેવું / વિશ્વાસઘાત / છેતરપિંડી / ઘરફોડ / ચેઈન સ્નેચિંગ / લૂંટ / ધાડના ગુનાઓ બને છે. શિયાળામાં ગુનાઓ ઘટે છે જ્યારે ચોમાસામાં ઓછા ગુનાઓ બને છે. ચોર ઈસમોની જરુરિયાત મુજબ ગુનાઓ બને છે. આ બાબતે પોલીસની ભૂમિકા બે પ્રકારની છે; આવા ગુનાઓ ન બને તે માટે પ્રીવેન્ટિવ એકશન લેવા અને ગુનો બને તો તપાસ કરી ચોરને પકડી જેલમાં મૂકવો. પરંતુ પોલીસ શું કરે છે ? 27 ફેબ્રુઆરી 2020 ના રોજ, સુરતથી એક સંબંધીનો ફોન આવ્યો : “હું સવારે 6:00 વાગ્યે હીરાબાગ સર્કલે, બસમાંથી ઊતરી રિક્ષામાં બેઠો, રિક્ષામાં બીજા બે પેસેન્જર બેઠાં હતા. મારી પાસે થેલી હતી અને તેમાં દીકરીના સતર તોલા સોનાના દાગીના હતા. ઘેર જઈને જોયું તો દાગીના ગૂમ !” મેં કહ્યું કે FIR કરી? તેમણે કહ્યું કે “હિરાબાગ સર્કલ વરાછા પોલીસ સ્ટેશનમાં આવે ત્યાં ફરિયાદ કરવા ગયા તો તેમણે કહ્યું કે રિક્ષામાંથી જે જગ્યાએ તમે ઊતર્યા ત્યાં ગુનો બને; એટલે તમે કતારગામ પોલીસ સ્ટેશને જાવ. અમે કતારગામ પોલીસ સ્ટેશને ગયા, ત્યાં પોલીસે કાચી FIR લીધી છે !” મેં કહ્યું : “કાચી FIR હોતી નથી. પોલીસે FIR નોંધવી જ પડે પરંતુ જ્યાં સુધી સત્તાપક્ષના કોર્પોરેટર / ધારાસભ્ય ન કહે ત્યાં સુધી પોલીસ FIR નહીં નોંધે !” અગિયાર દિવસ થયા છતાં હજુ પોલીસે FIR નોંધી નથી ! સુરત જેવી સ્થિતિ આખા ગુજરાતની છે. ‘અમારી ધાક / અટકાયતી પગલાં / પૂર્વ આયોજનના કારણે ગુનાઓ ઘટ્યા છે’ તેવું ચિત્ર IPS અધિકારીઓને / ગૃહમંત્રીને બહુ ગમે છે ! ગુનાઓ તો કાચી FIR ના કારણે ઘટે છે !

આ સ્થિતિ હોવાથી લોકોએ જ સાવચેત રહેવું પડે. લોકો પોતે કઈ રીતે મિલકત સંબંધી ગુનાઓ અટકાવી શકે? આટલી તકેદારી લ્યો: [1] યાદ રાખો, તાળું ચોરને આમંત્રણ આપે છે ! રાત્રે કે દિવસે તાળું ન દેખાય તેવી વ્યવસ્થા કરો. ‘કન્સિલ લોક’ રાખો. [2] રાત્રે મુખ્ય રુમની લાઈટ ચાલુ રાખો. પ્રકાશથી ચોર ટાર્ગેટ / લક્ષ્ય બદલે છે. મકાન બંધ કરી બહારગામ જાવ ત્યારે પાડોશીને, ચોકીદારને જાણ કરીને જાવ. [3] અજાણ્યા માણસોને, સેલ્સમેન, સેલ્સગર્લને ઘરમાં પ્રવેશ ન આપો. [4] કિંમતી ચીજવસ્તુઓ લોકરમાં રાખો. [5] બપોરના સમયે પુરુષ ઘરમાં ન હોય ત્યારે સોનાના દાગીના ધોઈ આપનાર આવે છે, તે ઠગ હોય છે. [6] તમારી આજુબાજુ આવક કરતા વધુ ખર્ચાળ રીતે રહેનારાઓથી ચેતો; તે ગુનેગારો હોઈ શકે છે. [7] શાકભાજી લેવા કે મંદિરે જાવ ત્યારે મહિલાઓએ ઓછામાં ઓછું સોનું પહેરવું. ઝવેરાતની ચમક ચોરને આકર્ષે છે. પૈસાનું પ્રદર્શન એટલે ચોરને નિમંત્રણ. [8] દુકાનનું શટર વચ્ચેથી ઊંચું ન થાય તે માટે વધારાનું લોક મારવું. [9] સોસાયટી, કોમર્સિયલ કોમ્પ્લેક્સ ખાતે CCTV કેમેરાની વ્યવસ્થા કરો. [10] ગામમાં, સોસાયટીમાં ઊનાળાના ત્રણ મહિના, માર્ચ, એપ્રિલ, મે માટે સેવાદળની વ્યવસ્થા કરો અથવા ચોકીદાર રાખો. નાઈટ રાઉન્ડની વ્યવસ્થા કરો. ચોરી મિલકતની થાય છે એટલે પ્રથમ સાવચેતી મિલકતદારે રાખવી પડે. [11] કાર, જીપ રોડ ઉપર પાર્ક કરવામાં આવે છે અને વાહનચોરી થાય છે. એલાર્મ સિસ્ટમનો ઉપયોગ કરો. [12] નઝર ચૂકવીને થતી ચોરીઓમાં એલર્ટ રહો. કોઈ વારંવાર રસ્તો પૂછી તમારું ધ્યાન બીજે દોરે તો સજાગ બનો. તમારી આજુબાજુ સો-સો ની નોટો વેરાયેલી પડી હોય તો ચેતો; તમે શિકાર બની રહ્યા છો. તમારી ઉપર ચાવેલું બિસ્કિટ નાખે તો તમારી ઉપર તરાપ છે; મુસાફરી દરમિયાન તમારા માટે કોઈ ચા, ઠંડું લઇ આવે તો તેમાં બેહોશીની દવા હોઈ શકે છે ! [13] ચોરી, ઘરફોડ, લૂંટ, ધાડ વગેરે ગુનાઓમાં ગુનેગારની ફિંગરપ્રિન્ટ મળી શકે છે. તેથી ગુનાવાળી જગ્યાને જેમની તેમ રાખો. કંઈ ખસેડો નહીં. પોલીસ ડોગનો ઉપયોગ તો જ થઈ શકે. [14] લાલચ બૂરી બલા. અતિ લોભ પાપનું મૂળ. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. લોભને થોભ ન હોય. લોભે લક્ષણ જાય. આ બધી કહેવતોમાં ડહાપણ ભર્યું છે. ભાવનગર જિલ્લામાં ખેડૂતો છેતરાયા છે; 50 રુપિયા વધુ ભાવ આપીને કપાસ લઈ જાય; પેમેન્ટ 30 દિવસ પછી કરવાનો વાયદો આપી વેપારી ભૂગર્ભમાં ઊતરી જાય છે ! એકના ડબ્બલમાં કેટલાંયના બેન્ડ વળી ગયા છે. [15] શંકાસ્પદ ઈસમ દેખાય ત્યારે કે ગુનો બને કે તરત જ, પોલીસ કંટ્રોલને 100 નંબર ઉપર જાણ કરો; ત્યાં દરેક સંદેશાની નોંધ રાખવામાં આવે છે; જે RTI હેઠળ માંગી શકાય છે. [16] પોલીસ કાચી FIR લે તો Gujarat State Police Complaints Authority, [GSPCA] કર્મયોગી ભવન, બ્લોક નંબર-1, છઠ્ઠો માળ, ગાંધીનગર. ફોન નંબર : 079-23255801/ 23255803/ 23255805 તથા email : so-spca-home@gujarat.gov.in ઉપર ફરિયાદ કરી શકાય છે.

ઘેરઘેર પોલીસ મૂકી શકાય નહીં. લોકોએ જ જાગૃત રહેવું પડે. જો સાવચેતી, સજાગતાની ટેવ નહીં પાડો તો કાચી FIR ના દર્શન અચૂક કરવા પડશે !