મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ જાણિતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષાની ચુક અને મનસુખ હિરેન હત્યા મામલા સાથે જોડોયેલા સચિન વાઝેનો એક વધુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 2 માર્ચ 2021ના આ ફૂટેજમાં વાઝે એક ઓડી કાર ચલાવી રહ્યો છે. બાંદ્રા વર્લી સી લીંકના ટોલ પ્લાઝાની આ સીસીટીવીમાં ઓડી કાર વીડિયોમાં કેદ થઈ છે. ખાસ વાત એ છે કે કારમાં વાઝે સાથે મનસુખ હિરેનની હત્યાનો આરોપી વિનાયક શિંદે પણ બેઠેલો છે. તેના બે દિવસ પછી જ મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએએ વસઈથી આ ઓડિ કાર જપ્ત કરી છે. આ મામલામાં તપાસના સકંજામાં આવેલી આ આઠમી કાર છે.

સૌથી પહેલા શંકાસ્પદ રીતે પાર્ક કરેલી સ્કોર્પિઓ, તે પછી તેની પાછળ ચાલનારી ઈનોવા, તે પછી 2 મર્સિડીઝ, એક લેન્ડ ક્રૂઝર, એક વોલ્વો અને એક મિત્સુબિશી સહિત સાત મોંઘી કાર પહેલા જ તપાસના દાયરામાં છે. બીજી બાજુ એનઆઈએના સૂત્રોએ બુધવારે દાવો કર્યો કે મુકેશ અંબાણીના આવાસની નજીક એક વાહનમાં મળેલી જિલેટિનની સ્ટિક્સની ખરીદી મુંબઈ પોલીસના સસ્પેન્ડ અધિકારી સચિન વાઝેએ જ કરી હતી. જોકે સૂત્રોએ વિસ્ફોટકોના સ્ત્રોત અંગે વિસ્તારમાં જાણકારી આપી નથી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરી રહેલી એનઆઈએને એવું પણ જાણવા મળ્યું કે વાઝેએ પોતાના ચાલક સાથે મળીને અંબાણીના આવાસ એન્ટિલિયા પાસે એસયુવી ઊભી કરી હતી.


 

 

 

 

 

સૂત્રોની જાણકારી પ્રમાણે, એસયુવીમાં મુકવામાં આવેલી જિલેટિનની સ્ટિક્સની ખરીદી વાઝેએ કરી હતી. એનઆઈએ પાસે એવા સીસીટીવી ફૂટેજ છે, જેમાં ઘટના સ્થળ પર વાઝેની હાજરી મળી છે. સૂત્રોએ કહ્યું કે, તપાસના સંબંધમાં એનઆઈએની ટીમ મુંઈ પોલીસના આયુક્ત કાર્યાલય અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવી રહી છે. તેનાથી વાઝેની ગતિવિધિઓ અને અન્ય બાબતોની ખબર પડશે.