મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સચિન પાયલટ દ્વારા બુધવારે સવારે કરાયેલા દવામાં 'હું આજે પણ કોંગ્રેસી જ છું' પરથી લાગે છે કે તે ગાંધી પરિવાર સુધી પહોંચ બનાવવાના પ્રયત્નોમાં છે, અને જોર આપીને કહેવા માગે છે કે તેમની ભાજપમાં શામેલ થવાની અટકળો ખરેખર ગાંધી પરિવાર સાથેના તેમના સંબંધો બગાડવાના પ્રયત્નો છે. તેમની આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે કોંગ્રેસે પાર્ટી વિરોધી ગતિવિધીઓને પગલે તેમની સામે કાર્યવાહી કરવાનું નવું હથિયાર અપનાવ્યું. તેમને નોટિસ મોકલવામાં આવી જેમાં શુક્રવાર સુધીનો સમય આપીને પુછવામાં આવ્યું છે કે કેમ તેમને ધારાસભ્ય તરીકે અયોગ્ય ન જાહેર કરવા જોઈએ.

આમ તેમને આપવામાં આવનારી મોટાભાગની સજાનો હિસ્સો મંગળવારે જ જાહેર કરી દેવામાં આવ્યો હતો જ્યારે તેમને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકેના અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખના પદમાંથી કાઢી નખાયા હતા. પાયલટએ મંગળવારે પાર્ટીનો નિર્ણય આવ્યા પછી સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે, સત્ય પરેશાન હોઈ શકે છે પણ પરાજિત થતું નથી.

પાયલટએ બુધવારે ભાર પૂર્વક આ વાત કરી હતી કે ભાજપમાં હું ક્યારેય નહીં જઉં. પાયલટએ બુધવારે કહ્યું કે, હું સ્પષ્ટ કહું છું કે ભાજપમાં જોડાવાનો નથી. સચિન પાયલટે કહ્યું કે પાર્ટીની અંદર અંદર ચર્ચાનો કોઈ મંચ બચ્યો જ નથી. મુખ્યમંત્રી ગહેલોતે સત્તામાં આવ્યા પછી કાંઈ કર્યું નથી. સચિન પાયલટે એવું પણ કહ્યું કે તેમણે વગર કોઈ વાંધાએ રાહુલ ગાંધીના નિર્ણય (અશોક ગહેલોતને મુખ્યમંત્રી બનાવવાના)ને  માની લીધો છે. સચિનનું કહેવું છે કે તે નાયબ મુખ્યમંત્રી ન્હોતા બનવા માગતા પણ રાહુલ ગાંધીના કહ્યાને કારણે મેં આ પદ સ્વિકાર્યું હતું.

જોકે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મંગળવારે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પાર્ટીએ પાયલટને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા છે. અહીં સુધી કે સોનિયા ગાંધીના નજીકના સહયોગીએ પાયલટ સાથે વાત કરવાના પ્રયત્ન કર્યા પરંતુ પાયલટ માન્યા ન હતા. પાયલટે સોમવાર અને મંગળવારે થયેલી ધારાસભ્યોની બેઠકની પણ કાંઈ દરકાર લીધી ન હતી. જે પચી પાર્ટીની તરફથી તેમના પર કાર્યવાહી કરવા્માં આવી હતી. હવે કોંગ્રેસની તરફથી પાયલટ સહિત બાકીના બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. બુધવારે સ્પીકરને નોટિસ મોકલીને આ ધારાસભ્યોને 17 જુલાઈ સુધી જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. તેવામાં પાયલટનું આ નિવેદન ઘણું મહત્વનું છે. પાયલટે કહ્યું છે કે તે આગળની રણનીતિ પર વિચાર કરી રહ્યા છે અને તેમની ઈચ્છા રાજસ્થાનની જનતાની સેવા કરવાની છે. તેવામાં જોવાનું એ રહે કે હવે પાયલટના પલડામાં શું બચે છે.