મેરાન્યૂઝ નેટવર્ક.રાજસ્થાનઃ રાજસ્થાનમાં સત્તા માટે ચાલી રહેલી સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેની ખેંચતાણમાં હવે સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી પદ અને કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષનું પદ ગુમાવાની વારી આવી છે. સાથે જ સચિનના બે સહયોગીઓને પણ કેબિનેટમાંથી બરખાસ્ત કરી દેવાયા છે. જોકે તેઓ હજુ પણ કોંગ્રેસમાં છે તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો નથી (લખાય છે ત્યાં સુધી).

સચિન પાયલટે એવું કહ્યું કે, હું સ્પષ્ટ કહી દઉં છું કે હું ભાજપ જોઈન નથી કરી રહ્યો. હાલ ફક્ત એટલું કહી શકીશ કે હું લોકોના માટે કામ કરવાનું ચાલું રાખીશ. નાયબ મુખ્યમંત્રી તરીકે હટાવ્યા પછી સચિને ઈન્ડિયા ટૂડેને ઈન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે, તેમના સમર્થકોને વિકાસની તક પણ ન્હોતી મળી. તેમને પુછાયું કે તમે મુખ્યમંત્રી અશોક ગહેલોતથી નારાજ કેમ છો, તો તેમણે કહ્યું કે તે ગહેલોતથી નારાજ નથી. તેમણે ગહેલોતથી ખાસ તાકાત (પાવર) પણ માગી ન હતી. બસ તે ઈચ્છતા હતા કે જનતા માટે કરાયેલા વાયદાઓ પુરા કરવામાં આવે.

સચિન પાયલટને જ્યારે પુછાયુ્ં કે આખરે તેમણે બળવો કરી ઝંડો પકડી રાખવાને બદલે પાર્ટીના અંદર અંદર ચર્ચા કેમ ન કરી. તે અંગે સચિન પાયલટે કહ્યું કે પાર્ટીની અંદર અંદર ચર્ચાનો કોઈ મંચ બચ્યો જ નથી. પાયલટે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી ગહેલોતે સત્તામાં આવ્યા પછી કાંઈ કર્યું નથી. સચિન પાયલટે એવું પણ કહ્યું કે તેમણે વગર કોઈ વાંધાએ રાહુલ ગાંધીના નિર્ણય (અશોક ગહેલોતને મુખ્યમંત્રી બનાવવાના)ને  માની લીધો છે. સચિનનું કહેવું છે કે તે નાયબ મુખ્યમંત્રી ન્હોતા બનવા માગતા પણ રાહુલ ગાંધીના કહ્યાને કારણે મેં આ પદ સ્વિકાર્યું હતું.

હું સ્પષ્ટ કરી દઉ કે હું ભાજપ જોઈન નથી કરી રહ્યો હાલ ફક્ત એટલું કહેવા માગું છું કે મારે લોકો માટે કામ કરવું છે જે હું ચાલુ રાખીશ. તેવું સચિન પાયલટે પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું છે. જોકે બીજી બાજુ કોંગ્રેસમાં ચાલતી માથાકૂટોને પગલે ભાજપમાં બેઠકોનો દૌર ચાલુ છે. ભાજપ તરફથી કહેવાયું છે કે બુધવારે મીટિંગ વરિષ્ઠ નેતા અને પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા પણ હાજર રહેશે. તે પણ ધૌલપુરમાં છે. તેમના જયપુર પહોંચ્યા પછી મંથનનું આગલું ચરણ શરૂ થશે. આ દરમિયાન થયેલા એક સર્વેમાં શામેલ થયેલા લોકો પૈકીના એક તૃત્યાંશ લોકોનું માનવું છે કે હવે રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકાર ટકી શક્શે નહીં અને ભાજપની વાપસી થશે.

હાલ પાયલટ માટે ખરી સ્થિતિ છે, જેથી તે હવે પોતાના પક્ષ પ્રત્યેનો સાચો મત વ્યક્ત નહીં કરી રહ્યા. એક બાજુ ભાજપ તરફથી સીએમ પદ મળવાને ભરોસો ન મળે, અને બીજી બાજુ જો વિધાનસભામાં બહુમત પરીક્ષણ થાય અને ગહેલોત સરકાર પડી જાય તો...? હાલ પાયલટ તેમના દરેક પગલા જોઈ-જાણીને ઉઠાવવાનું ઈચ્છશે. વાત નહીં બને તો શક્ય છે કે ભાજપ-કોંગ્રેસથી અલગ રસ્ત પણ પકડે, પણ તેવું કરવામાં નુકસાન મોટું છે તેથી કદાચ આખરે બધી બબાલો પછી ઘર વાપસી પણ થઈ જાય. આ તો રાજકારણ છે. આખરે કયા નેતાએ પોતાના સિવાય અન્ય કોઈનું વિચાર્યું...?