મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ અને ઇડર સહીત અમદાવાદમાં ઘરફોડ ચોરી કરી લૂંટની ઘટનાને અંજામ આપતી ૪ શખ્શોની ગેંગને જીલ્લા એલસીબી પોલીસે હિંમતનગર એસટી ડેપો નજીકથી રિક્ષા અને ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા. જીલ્લા એલસીબી પોલીસે ૧૪ જેટલા ઘરફોડ ચોરીના ગુનાના ભેદ ઉકેલવામાં પણ સફળતા મળી હતી.

સાબરકાંઠા જીલ્લાના ઇડર બે દિવસ અગાઉ જ્વેલર્સની દુકાનમાં ત્રાટકી સોના-ચાંદીના દાગીનાની લૂંટ થતા અને પ્રાંતિજમાં આવેલી મોબાઈલની દુકાનમાં લૂંટ થતા ઉપરાછાપરી લૂંટની ઘટના બનતા જીલ્લા પોલીસવડા ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ. વી.આર. ચાવડા અને તેમની ટીમે ઘરફોડ ગેંગને ઝડપી પાડવા તપાસ આદરી હતી. બાતમીદારો અને સર્વેલન્સની માહિતીના આધારે શોધખોળ હાથધરી હતી. હિંમતનગર એસટી ડેપો નજીક ચાર શખ્શો પ્લાસ્ટિકના સફેદ થેલીમાં ચોરીના મોબાઈલ વેચવા ફરતા હોવાની બાતમી મળી હતી.

જીલ્લા એલસીબી પોલીસે હિંમતનગર એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર કોર્ડન કરી લઈ રિક્ષા (નં. GJ. 01. TD. ૯૧૩૧) પાસે ઉભેલા ૧)મહમ્મદ ખતીફ ઉર્ફે સદ્દામ ગુલામ મોહમ્મદ શેખ, ૨) મુસ્તકીમ ઉર્ફે મુસા ગુલામ મોહમ્મદ ઉર્ફે ગુલ્લુભાઈ શેખ, ૩) સાલાર હુસેન ઉર્ફે શાહરુખ યુસુફભાઇ ઉર્ફે બાપુ ઉર્ફે પહેલવાન સિદ્દીકી અને ૪) જુનેદખાન ફિરોજ ખાન પઠાણને ઝડપી પાડી પ્લાસ્ટિકના થેલામાં રહેલા ચોરીના મોબાઈલ, સોના-ચાંદીના દાગીના અને ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો સાથે રૂ. ૧,૪૦,૭૯૭/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. તદઉપરાંત અમદાવાદ, ઇડર અને પ્રાંતિજ વિસ્તારમાં આચરેલ લૂંટ, ચોરીના ૧૪ જેટલા ગુના ઉકેલવામાં સફળતા મળી હતી.