મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા:  સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવે અનેક વિસ્તારોમાં તબાહી સર્જી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં પસાર થતી નદીઓ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા પાણીનો પ્રવાહ વધ્યો છે. સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના તાજપુર નજીક પસાર થતી મેશ્વો નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદી કિનારે ચરતી ૫ ભેંસો પાણીમાં તણાઈ જતા પશુપાલકો એ બુમાબુમ કરી મૂકી હતી. સ્થાનીક લોકો પાણીના પ્રવાહમાં ફસાયેલ ભેંસોને મહામુસીબતે બચાવી લીધી હતી. 

ચોમાસાની ઋતુમાં પશુપાલકો ઢોર-ઢાંખર લઇ ગૌચર અને નદી કિનારે લીલોતરી વધતા ચારો ચરવા લઇ જતા હોય છે. તાજપુર ગામના પશુપાલક નદી કિનારે ભેંસો ચરાવતા હતા ત્યારે નદીના પ્રવાહમાં ભેંસો ફસાઈ જતા અને તણાવા લાગતા પશુપાલક બેબાકળા બન્યા હતા. પશુપાલકની મદદે અન્ય પશુપાલકો અને સ્થાનીકો દોડી આવ્યા હતા અને પાણીના પ્રવાહમાં ફસાયેલ ૫ ભેંસનું રેસ્ક્યુ ઓપરેશન હાથધરી ભારે જહેમત પછી પાણીમાં ગરકાવ થઇ જાય તે પહેલા ભેંસો બચાવી લેતા પશુપાલકે હાશકારો અનુભવ્યો હતો. 

Advertisement


 

 

 

 

 

(સહાભાર : જય અમીન, સાબરકાંઠા)