મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા :કોરોનાના કપરા સમયમાં ઈમાનદારી મરી પરવારી નથી તેનું ઉત્તમ ઉદાહરણ ઈડરના એક રિક્ષા ચાલકે પુરુ પાડ્યું છે. કહેવાય છે કે ઈમાનદારી અને નીતિથી ચાલનારા લોકો આજે બહુ ઓછા જોવા મળે છે. પરંતુ બેઈમાની અને છેતરપીંડી નાં જમાના માં પણ કેટલાક લોકોએ આજે પણ ઈમાનદારીની જ્યોત પ્રગટાવેલી રાખી છે.ઇડર પંથકમાં રીક્ષા ચલાવી જીવનનિર્વાહ ચલાવતા જગદીશ કિશોરભાઈ ટોકરેએ તેમની રિક્ષામાં મુસાફર રોકડ રકમ ભરેલ પર્સ અને માલસામાન ઇડર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી મૂળ માલિકને પરત કરતા રીક્ષા ચાલકની ઈમાનદારીને સાબરકાંઠા જીલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિકે સરાહના કરી ભેટ આપી સન્માનીત કર્યો હતો.
 
આજના ઘોર કળિયુગમાં સામાન્ય રીતે કોઈને એકાદ લાખની રોકડ દાગીના ભરેલી બેગ મળે તો ?  મોટાભાગના લોકો આવી બેગને કઈ રીતે સગેવગે કરી શકાય તેના પ્રયાસમાં લાગી જાય પરંતુ જવલ્લે જ કોઈ એવી વ્યક્તિ હોય કે જે આવી બેગ તેના મૂળ માલિકને પહોંચાડતા હોય છે. ત્યારે ઇડર પંથકમાં રીક્ષા ચલાવતા જગદીશ કિશોરભાઈ ટોકરેએ તેમની રિક્ષામાં મુસાફર રોકડ રકમ ભરેલ પર્સ અને કિંમતી માલસામાન ભૂલી જતા તાબડતોડ ઇડર પોલીસનો સંપર્ક કરી પોલીસની મદદથી માલિકને તેનું રોકડ રકમ ભરેલ પર્સ અને માલસામાન પરત કરી ઇમાનદારીનું અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 

આ ઘટના અંગેની જાણ સાબરકાંઠા એસપી ચૈતન્ય માંડલિકને થતા રીક્ષા ચાલક જગદીશ ટોકરેને એસપી ઓફિસ આમંત્રિત કરી રીક્ષા ચાલકને તેની પ્રામાણિકતા માટે સન્માનીત કરી ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જેથી અન્ય લોકો માટે પણ ઉદાહરણરૂપ બને અને રીક્ષા ચાલક ભવિષ્યમાં પણ ઈમાનદારી પર અડગ રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.